અમરેલી

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો દ્વારા વાનગી સ્પર્ધા યોજાઈ

પોષક આહારના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા આયોજન, વિજેતાઓને સન્માનિત કરાયા

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં તાજેતરમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો માટે એક અનોખી વાનગી પ્રદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાલ્ગુનીબેન શેલારના નેતૃત્વ હેઠળ ભુવા, જુનાસાવર, ધાર, કેરાળા, અમૃતવેલ અને મોલડી ગામના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત સરકારની ICDS શાખા દ્વારા આપવામાં આવતા THR, મિલ્ક ટેસ્ટ અને પ્રીમિક્સ જેવી પોષક સામગ્રીઓનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવા માટે પ્રોત્સાહન આપવાનો હતો.
આ સ્પર્ધામાં આંગણવાડીની બહેનોએ પોતાની રસોઈ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. તેમણે મિલ્ક ટેસ્ટમાંથી મંચુરિયન, બિસ્કિટ અને સુખડી જેવી વિવિધ વાનગીઓ બનાવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ કાર્યક્રમમાં ભુવા ગામના સરપંચ, ઉપસરપંચ અને મંત્રીએ હાજરી આપી તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.
સ્પર્ધાના અંતે વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા
મિલ્ક ટેસ્ટ વાનગી સ્પર્ધાના વિજેતાઓ પ્રથમ: સૂર્યવંશી જ્યોતિબેન ડી. દ્વિતીય: બગડા ભાવનાબેન એ.  તૃતીય: ચોખ્ખીયા શરીફાબેન જમાલભાઈ તેમજ પ્રીમિક્સ વાનગી સ્પર્ધાના વિજેતાઓ પ્રથમ: પાનસુરીયા પાયલબેન વી. દ્વિતીય: બગડા લાભુબેન ડી. તૃતીય: લશ્કરી વીણાબેન એ. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભુવા આંગણવાડી કેન્દ્રના કાર્યકર પુરોહિત હરિતાબેન બી. દ્વારા કરવામાં આવ્યું હતું. સાવરકુંડલાથી આવેલ આશા વર્કર નયનાબેન એન. વનરાએ નિર્ણાયક તરીકેની સફળ ભૂમિકા ભજવી હતી. અંતે, તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમથી આંગણવાડીના સ્ટાફમાં નવી ઉર્જાનો સંચાર થયો અને પોષણયુક્ત આહારના મહત્વ વિશે જાગૃતિ પણ ફેલાઈ.  તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે.

Related Posts