અમરેલી

ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ: મોટા મુંજીયાસર મુકામે ૫૦થી વધુ ખેડૂતોએ મિશ્રપાક પદ્ધતિની વૈજ્ઞાનિક તાલીમ મેળવી

અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા ખરીફ ઋતુના પાક નિદર્શન અને જીવામૃત-બીજામૃતના લાઈવ ડેમોન્સ્ટ્રેશનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. એક જ ખેતરમાં વિવિધ પાકો દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા અર્થે મોટા મુંજીયાસર મુકામે પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં ૫૦થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ તાલીમ શિબિરમાં કોલેજના નિષ્ણાત મદદનીશ પ્રાધ્યાપકો ડૉ. કે. વી. મસાલીયા, ડૉ. કે. વી. ચૌધરી અને ડૉ. જે. આર. ડામોર તેમજ કૃષિ અધિકારી શ્રી બી. એમ. મોદી, ખેતી મદદનીશ શ્રી વી. એસ. ઠાકોર અને લેબોરેટરી ટેક્નિશિયન શ્રી એન. કે. માંજરીયા દ્વારા ખેડૂતોને ખરીફ ઋતુના મિશ્રપાક (Intercropping) અંગે વિસ્તૃત ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું અને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.

કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સમજાવ્યું હતું કે, એક જ ખેતરમાં વૈજ્ઞાનિક ઢબે વિવિધ પાકોનું આયોજન કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને ખેતીના ખર્ચમાં ઘટાડો થવાની સાથે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થાય છે. આ ઉપરાંત, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના સ્થાને પ્રાકૃતિક ખેતીના મુખ્ય આધારસ્તંભ એવા બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત અને કુદરતી જીવાત નિયંત્રણ પદ્ધતિઓ વિશે લાઈવ નિદર્શન આપીને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પદ્ધતિઓ દ્વારા રોગ અને જીવાતના ઉપદ્રવને કુદરતી રીતે જ કેવી રીતે અટકાવી શકાય તેની સરળ સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતિમ ચરણમાં એક વિશેષ પ્રશ્નોત્તરી સત્ર યોજવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવતી વખતે આવતી વ્યાવહારિક મુશ્કેલીઓ અને સામાન્ય સમસ્યાઓ અંગે પ્રશ્નો પૂછ્યા હતા. કોલેજના કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોના તમામ પ્રશ્નોના સંતોષકારક, સચોટ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન સાથે જવાબો આપીને તેમની મુંઝવણોનું સ્થળ પર જ નિવારણ કર્યું હતું.

Related Posts