ગુજરાત

વિકાસની સાથે સાથે સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવી અને સંસાધનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો એ આપણી પ્રાથમિકતા: વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCBના સંયુક્ત ઉપક્રમે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી બે દિવસીય કાર્યશિબિરનો સમાપન સમારોહ યોજાયો હતો.

સમાપન સમારોહમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવામાં GPCB ની ભૂમિકા સૌથી નિર્ણાયક રહેવાની છે. વિકાસની સાથે સાથે સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવી અને સંસાધનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો એ આપણી પ્રાથમિકતા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ વિભાગની છબી હંમેશા સુધારાત્મક પગલાં લેવા માટે અગ્રેસર રહી છે. ઉદ્યોગો પણ ચાલુ રહે અને પ્રદૂષણ પણ નહિવત થાય તે માટે ટીમ વર્ક સાથે કામગીરી થઈ રહી છે.

પર્યાવરણના નિયમોના પાલન માટેના ઇન્સેન્ટિવ વધારવામાં GPCB નો રોલ ખૂબ મહત્વનો સાબિત થશે. ચિંતન શિબિર ફ્યુચર વિઝન પ્લાનિંગ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. વિઝન પ્લાનના આધારે હવે અર્બન ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ અને વોટર રિસોર્સીસ જેવા વિવિધ વિભાગો પોતાના એક્શન પ્લાન તૈયાર કરી શકશે.

પર્યાવરણ ક્ષેત્રે હકારાત્મક પરિણામો મેળવવા માટે પર્યાવરણ વિભાગ અને GPCBના તમામ અધિકારીઓ-કર્મચારીઓને આગામી દિવસોમાં ઉદ્યોગોના ‘મિત્ર અને માર્ગદર્શક’ તરીકે કામ કરવા અને ઉદ્યોગો સાથે સતત સંવાદ જાળવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

GPCB બોર્ડના અગ્ર સચિવ શ્રી વિનોદ રાવે જણાવ્યું હતું કે, બે દિવસના સઘન મંથન બાદ તૈયાર થયેલો આ કન્ક્લુડિંગ રિપોર્ટ રાજ્યના પર્યાવરણ અને વિકાસના ભવિષ્યને નક્કી કરનારો સાબિત થશે. દરેક સરકારી વિભાગની પોતાની ખાસિયત હોય છે, તેમ વન અને પર્યાવરણ વિભાગ પણ પોતાની ઓનરશિપ અને કમિટમેન્ટ માટે જાણીતો છે.

તેમણે ભાર પૂર્વક જણાવ્યું કે, પર્યાવરણના નિયમોનું પાલન કોર્ટના આદેશોથી થાય તેના કરતાં આપણે સ્વેચ્છાએ કરીએ તે વધુ જરૂરી છે. આપણું વટવા મોડેલ અમદાવાદ અને સમગ્ર રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવા માટે એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે. ભવિષ્યમાં નવી ઇન્ડસ્ટ્રીઝ માટે એવો ડેવલપમેન્ટ પ્લાન હોવો જોઈએ જ્યાં CETP-કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જ ઉદ્યોગોને મંજૂરી મળે, જેથી પ્રદૂષણ મોનિટરિંગ સરળ બને.

શ્રી વિનોદ રાવે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના પક્ષધર છે. આગામી દિવસોમાં આપણી નીતિઓ એવી હોવી જોઈએ જેમાં દંડાત્મક કાર્યવાહી મિનિમાઇઝ થાય અને નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળે. તેમણે અધિકારીઓને ઉદ્યોગોના મિત્ર અને માર્ગદર્શક બનીને કામ કરવા અને સારું કામ કરનારાઓને બિન-નાણાકીય પ્રોત્સાહનો જેમ કે સર્ટિફિકેટ કે સન્માન આપવા સૂચન કર્યું હતું.

જીપીસીબીના અધ્યક્ષ શ્રી આર. બી. બારડે કાર્યશિબિરના તારણો રજૂ કરતા જણાવ્યું કે, આ માત્ર એક કાર્યક્રમ નહોતો પરંતુ ભવિષ્યના ગુજરાત માટેની એક ‘વિચાર યાત્રા’ હતી. અગાઉના વર્ષોની સરખામણીએ આજે પર્યાવરણની સ્થિતિમાં મોટો સુધારો આવ્યો છે. આજે વિશ્વ ઇકોનોમિક ગ્રોથ અને એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી બંનેને સાથે લઈને ચાલી રહ્યું છે અને ગુજરાતે સાબિત કર્યું છે કે વિકાસ અને પર્યાવરણ બંને સાથે રહી શકે છે.

કાર્યશિબિરમાં બે દિવસ દરમિયાન રાજ્યમાં પર્યાવરણીય પડકારો, નિયમનાત્મક સુધારા, સંસ્થાકીય ક્ષમતાવર્ધન તથા ભવિષ્યલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા અને મંથન કરવામાં આવી છે.

આ કાર્યશિબિરમાં થયેલું મંથન આગામી દિવસોમાં ગુજરાતને માત્ર ‘ઔદ્યોગિક રીતે વિકસિત’ જ નહીં, પરંતુ ‘પર્યાવરણ પ્રત્યે જવાબદાર ગુજરાત’ બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

Related Posts