સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, લીલીયા ખાતે ગુજરાત રાજ્યના સ્થાપના દિનના અવસરે તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે વિદાય અને દીક્ષાંત સમારોહ “ઉડાન-૨૦૨૬” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. દીક્ષાંત સમારોહ દરમિયાન વર્ષ દરમિયાન શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તૃતીય વર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી હિસાબી અધિકારી જિલ્લા પંચાયત અમરેલી, શ્રીચોહાણ તેમજ માન તાલુકા વિકાસ અધિકારીશ્રી લીલીયા, વિક્રમસિંહ ગોહિલ, કોલેજના આચાર્ય ડૉ.રાજેન્દ્રસિંહ એ. રાઠોડ એ સર્વે દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, “આપણી કૉલેજ આજે શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંસ્કાર અને વિદ્યાર્થી કલ્યાણના ક્ષેત્રમાં એક ‘મોડલ કૉલેજ‘ તરીકે ઉભરી આવી છે. ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં આપણા વિદ્યાર્થીઓ પાયાની ભૂમિકા ભજવશે તેવી મને પૂરી શ્રદ્ધા છે.”
આ કાર્યક્રમમાં કૉલેજનો સમગ્ર સ્ટાફ પરિવાર, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે કૉલેજના આચાર્યશ્રીએ આ ભવ્ય અને હૃદયસ્પર્શી આયોજનને સફળ બનાવવા બદલ સમગ્ર કૉલેજ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
કૉલેજના આચાર્ય ડૉ. રાજેન્દ્રસિંહ એ. રાઠોડ અને IQSC કોઓર્ડિનેટર ડૉ.શબ્બીર પરમારના સબળ માર્ગદર્શન હેઠળ સમગ્ર કૉલેજ પરિવારના અથાક પ્રયત્નો અને સમર્પણથી આ કાર્યક્રમ એક ગૌરવસભર અને અવિસ્મરણીય સંભારણું બની રહ્યો હતો તેમ આચાર્યશ્રી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, લીલીયા એ એક યાદીમાં જણાવ્યું છે.














Recent Comments