અમરેલી

ખેડૂતોને ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી માટે સાવચેતી રાખવા અનુરોધ

જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. કોઇપણ સંજોગોમાં લાયસન્સ-પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય.

વધુમાં બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ, પુરુ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું પાકું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે તેમજ બિયારણના પેકેટ પર આપેલ QR કોડ સ્કેન કરી બિયારણ અંગેની પુરતી માહિતીની પણ ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં.

ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4G અને 5G જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત તાલુકાના ખેતીવાડી અધિકારીશ્રી અથવા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ) ની કચેરી, ૩૦૧, “બી” બ્લોક, બહુમાળી ભવન, અમરેલીને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે, તેમ નાયબ ખેતી નિયામકશ્રી (વિ)એ યાદીમાં જણાવ્યું છે.

Related Posts