રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વડાલી તાલુકાના કેશરગંજ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હરેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રમાં ગૌવંશના અદ્વિતીય મહત્વને ઉજાગર કરતા તેઓ ગામના એક પશુપાલક શ્રી પટેલ મોગેશભાઈ બાબુભાઈના નિવાસસ્થાને ગૌ દુગ્ધ દોહન કર્યું હતું.
ખેતરની આ મુલાકાત દરમિયાન તેમણે પરંપરાગત કૃષિ પદ્ધતિ મુજબ સ્વયં હળ જોતી પ્રેરણાદાયી પરંપરાગત કૃષિ પ્રવૃત્તિઓ કરી હતી અને ધરતીપુત્રો સાથે ચર્ચા કરી પોતાના બહુમૂલ્ય કૃષિ વિષયક અનુભવો વહેંચ્યા હતા.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો લોકોને તંદુરસ્ત જીવન આપવાનું કામ કરી રહ્યા છે. આપણા દેશમાં કેન્સર અને અન્ય બીજી અનેક બીમારીઓ દિવસેને દિવસે વધી રહી છે.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ઓછામાં ઓછું ખેતરના એક ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને જીવામૃત સહિતના બાયો ઈનપુટ્સ બનાવવાની વિધિ તથા તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું.
તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે આપણે કરોડો રૂપિયા રાસાયણિક ખાતરરૂપી ઝેર ખરીદવામાં વિદેશોમાં આપીએ છીએ. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણા દેશનો પૈસા બહાર જતા અટકશે. તેમણે ઉમેર્યું કે, આજના સમયમાં જ્યારે જતુંનાશક દવા અને રાસાયણિક ખાતરથી ધરતીની હાલત બગડી છે, ઉત્પાદન ઘટ્યું છે અને તેનાથી ઉત્પન્ન થતી કૃષિ પેદાશો આરોગવાથી રોગ વધ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી ન માત્ર ધરતી પરંતુ મનુષ્યોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ગંભીર બીમારી લાવતી રાસાયણિક ખેતીને ત્યજીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતશ્રી રતિલાલએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના પ્રતિભાવ અને અનુભવ જણાવ્યા હતા.
આ પ્રસંગે કલેકટર શ્રી લલિત નારાયણસિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ પી પટેલ, ઇન્ચાર્જ એસપીશ્રી સ્મિત ગોહિલ,ખેતીવાડી વિભાગના અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો, સરપંચશ્રી, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.















Recent Comments