ભાવનગર

કેન્યાનાં કેરીચો શહેરમાં પૂજ્ય મોરારિબાપુના હસ્તે જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ

જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી
જાયન્ટ્સ ગૃપ ઓફ નૈરોબી ટ્વીગાના આમંત્રણથી હાલ પૂર્વ આફ્રીકાના કેન્યા દેશના દસ દિવસના પ્રવાસે છે. જ્યાં તેઓ કુલ ચાર કાર્યક્રમો કરશે. જ્યાં તેઓ આ કાર્યક્રમોની ચાલીસ લાખ રુપિયા જેટલી સંપૂર્ણ આવક જરુરીયાતમંદ આફ્રીકન લોકોના આરોગ્ય અને શિક્ષણમાં દાન કરશે.
હાલ કેન્યામાં કેરીચો નામના શહેરમાં વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારિબાપુની ૯૮૧મી રામકથા ચાલી રહી છે ત્યારે જાયન્ટ્સ ગૃપ ઓફ નૈરોબી ટ્વીગા અને જગદીશ ત્રિવેદી દ્વારા કેરીચો ખાતે નિર્મિત પુસ્તકાલયનું તા.૧૯/૭/૨૬ ની સાંજે પૂજ્ય મોરારિબાપુ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કેન્યાના અલગ અલગ શહેરોની કુલ છ શાળાઓમાં પુસ્તકો, યુનિફોર્મ, કંપાસબોક્ષથી માંડીને નોટબુક સુધી પ્રત્યેક શાળામાં આશરે અઢી લાખ રુપિયાની વસ્તુઓ આપવામાં આવશે. તદુપરાંત કીટાલે ખાતે એક ડાયાલિસિસ સેન્ટર પણ આ પ્રવાસ દરમિયાન શરું કરવામાં આવશે.
સનાતન વૈદિક હિંદુ ધર્મના “વસુધૈવ કુટુંબકમ”  સુત્રને ચરિતાર્થ કરી શ્રી જગદીશ ત્રિવેદી પોતાના આ પ્રવાસની સમગ્ર આવક જરુરીયાતમંદ આફ્રિકન પ્રજાના આરોગ્ય અને શિક્ષણમાં અર્પણ કરી સમાજને એક નવો રાહ ચીંધશે.
આ તસવીરમાં પૂજ્ય મોરારિબાપુ, ડો. જગદીશ ત્રિવેદી, જાયન્ટ્સ ગૃપ ઓફ નૈરોબી ટ્વીગાના ચેરપર્સન શ્રીમતિ ચેતનાબહેન દેસાઈ, જાણીતા લેખક અને વક્તા ડો. ભદ્રાયુ વછરાજાની, સુપ્રસિદ્ધ કવિ અને સંચાલક ડો. નીતિન વડગામા , સુરેન્દ્રનગરની દર્શન વિદ્યાલયના સંચાલક શ્રી મહેશભાઈ કાનાણી તથા કેન્યાના સમાજસેવક શ્રી મુકેશભાઈ દેસાઈ જોવા મળે છે. 

Related Posts