અમરેલી

સાવરકુંડલામાં સેવાનો ત્રિવેણી સંગમ: મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે ૧૨૫૦થી વધુ લોકોને ઠંડી છાશનું વિતરણ

​તપતા નગરમાં પ્રેમના 

વાદળ વરસાવી દીધા,

તરસ્યા ગળામાં છાશના 

અમૃત છલકાવી દીધા.

​જન્મદિવસની આનાથી રૂડી                        હોઈ શકે શું ઉજવણી?

સેવાના ભેખે માનવતાના 

દીપ પ્રગટાવી દીધા.

​–“પાંધી સર” 

હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકોની જઠરાગ્નિ ઠારવા અને સેવાનો ભેખ ધરાવવા માટે સાવરકુંડલા મુકામે એક પ્રેરણાદાયી અને અનોખી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોળી સમાજના હૃદય સમ્રાટ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ ચોક ખાતે ભવ્ય વિનામૂલ્યે મસાલા છાશ વિતરણ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

​કોળી સમાજના સક્રિય અને ઉત્સાહી આગેવાન ભાવેશભાઈ સોલંકી દ્વારા આયોજિત આ લોકસેવાના કાર્યમાં માર્ગ પરથી પસાર થતા મુસાફરો, રાહદારીઓ અને શ્રમિકોને ગરમીથી રાહત આપવા માટે અંદાજે ૧૨૫૦ જેટલા ગ્લાસ ઠંડી અને સ્વાદિષ્ટ મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. નેતાના જન્મદિવસની ઉજવણી માત્ર દેખાડા કે આતશબાજીથી નહીં, પણ જનતાની સાચી સેવા કરીને થઈ શકે તે ભાવેશભાઈ સોલંકી અને તેમની ટીમે સાબિત કરી બતાવ્યું છે.

​આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે કોળી સમાજના અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મિત્ર મંડળે ભારે જહેમત ઉઠાવી હતી અને બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. છાશ વિતરણ પૂર્વે રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવના મંદિરના પવિત્ર પટાંગણમાં મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય માટે વિશેષ પ્રાર્થના અને મહાઆરતી પણ કરવામાં આવી હતી. ગરમીના પ્રકોપ વચ્ચે ઠંડી છાશ મેળવીને સ્થાનિક લોકોએ આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું અને આયોજકોને અંતરપૂર્વકના આશીર્વાદ આપ્યા હતા.

Related Posts