દેશભરમાં જ્યારે દેશપ્રેમનો માહોલ છવાયો છે, ત્યારે સાવરકુંડલામાં રાષ્ટ્રધ્વજના ગૌરવ અને સન્માનનો એક અનોખો અંદાજ જોવા મળ્યો છે. સ્થાનિક જનપ્રતિનિધિ અને ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાની પ્રેરણાદાયી પહેલથી સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં “હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા” અભિયાન માત્ર એક સરકારી કાર્યક્રમ ન રહેતા એક ભવ્ય જનઆંદોલન બની ગયું છે.
આ અભિયાન અંતર્ગત સાવરકુંડલાના ખૂણે-ખૂણેથી નાગરિકોનો અદ્ભુત ઉત્સાહ સામે આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન લાગણીસભર અને પ્રેરણાદાયી દ્રશ્યો સર્જાયા હતા:
ઉંમરના પરિપકવ પડાવ પર પહોંચેલા પંચાણું વર્ષીય એક વૃદ્ધ માજીએ પોતાના નિવાસ્થાને અત્યંત ગર્વ અને ઉત્સાહભેર તિરંગો લહેરાવ્યો હતો. તેમની આ ભાવનાએ સમગ્ર પંથકમાં દેશભક્તિનો નવો સંચાર કર્યો હતો.
રક્ષાબંધનના પવિત્ર પર્વ પહેલાં જ બહેનોએ રાષ્ટ્રધ્વજને રાખડી બાંધી, તેનું પૂજન-અર્ચન કરીને રાષ્ટ્ર પ્રત્યેનો અથાહ પ્રેમ અને સમર્પણ વ્યક્ત કર્યું હતું. બહેનોની આ અનોખી પહેલે સૌ કોઈના દિલ જીતી લીધા હતા.
જનપ્રતિનિધિ શ્રી મહેશ કસવાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રધ્વજ એ આપણી શાન, આન અને બાન છે. સાવરકુંડલાની જનતાએ જે રીતે આ અભિયાનને પોતાના હૃદયથી સ્વીકારીને જનઆંદોલન બનાવ્યું છે, તે ખરેખર વંદનીય છે.”
સાવરકુંડલાના આબાલ-વૃદ્ધ સૌ કોઈ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જોડાઈને દેશભક્તિના રંગે રંગાયા છે. લોકો પોતપોતાના ઘરો, દુકાનો અને પ્રત્યેક સંસ્થાઓ પર ગૌરવભેર તિરંગો લહેરાવીને ભારત માતા પ્રત્યે પોતાનો કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરી રહ્યા છે.


















Recent Comments