અમરેલી

અખાત્રીજના મુહૂર્ત અંતર્ગત બાળલગ્નો અટકાવવા માટે અમરેલી જિલ્લામાં હેલ્પલાઇન નંબર (૦૨૭૯૨) ૨૨૩૦૨૯ જાહેર કરવામાં આવ્યો

આગામી તા.૧૯.૦૪.૨૦૨૬ના રોજ અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના રોજ રાજયભરમાં અનેક લગ્ન પ્રસંગો યોજનાર છે. આ પવિત્ર અવસરે ક્યાંય પણ બાળલગ્ન જેવું સામાજિક દુષણ ન સર્જાય તે હેતુથી અમરેલી બાળલગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા જરૂરી તકેદારીના પગલા લેવા બાળલગ્ન અટકાવવા અને નાગરીકોમાં જાગૃતિ લાવવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરી લોકસહયોગની અપીલ કરવામાં આવી છે.

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ, દીકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને દીકરાનાં લગ્ન – ૨૧ વર્ષ પહેલા કરવા એ અપરાધ છે. બાળલગ્નને કારણે બાળકોના માનસિક અને શારીરિક આરોગ્ય પર વિપરીત અસરો પડે છે. જે તેમના ભવિષ્યને રૂંધે છે.

આ કાયદા હેઠળ જોગવાઇ છે કે, બાળલગ્ન કરાવનાર કે તેમાં સહભાગી થનાર વ્યકિતને ૦૨ વર્ષ સુધીની સખત કેદ અને રૂ.૦૧ લાખ સુધીના દંડની શિક્ષા થઇ શકે છે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમૂહલગ્નના આયોજકો સામાજિક આગેવાનો, ગોર મહારાજ, રસોઇયા,મંડપ ડેકોરેશનના માલિકો અને ફોટાગ્રાફર્સને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. કે તેઓ વર-કન્યાના ઉંમરના પુરાવાની ખાતરી કર્યા બાદ જ લગ્ન વિધિ સંપન્ન કરે.

જો આસપાસ કયાંય પણ બાળલગ્ન થતા હોવાની માહિતી મળે, તો જાગૃત નાગરિક તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી અમરેલીનો (૦૨૭૯૨) ૨૨૩૦૨૯ દર્શાવેલ નંબર પર તાત્કાલિક જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આગામી અખાત્રીજના દિવસે અમરેલી જિલ્લો બાળલગ્ન મુકત રહે અને બાળકોનું બાળપણ સુરક્ષિત રહે તે માટે તમામ નાગરિકોને સક્રિય ભૂમિકા ભજવવા તથા સમૂહ લગ્નના આયોજકો, ગોર મહારાજ અને મંડપ ડેકોરેટર્સ સહિતના તમામ હિતધારકોને બાળલગ્ન ન યોજવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts