અમરેલી

કારમી મોંઘવારીમાં EPS-95 પેન્શનરોની કફોડી હાલત: બે વ્યક્તિના જીવન નિર્વાહ માટે માસિક ન્યૂનતમ ₹૭,૫૦૦ પેન્શન આપવા સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી દ્વારા સિનિયર સિટીઝન વતી માંગ કરવામાં આવી

આજના આધુનિક અને વિકાસશીલ યુગમાં દેશ જ્યારે ઝડપી આર્થિક પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે સમાજના પાયા સમાન એવા નિવૃત્ત કર્મચારીઓ (EPS-95 પેન્શનરો) આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. વર્તમાન સમયમાં વધતી જતી કારમી મોંઘવારીના કારણે બે વ્યક્તિના સામાન્ય જીવન નિર્વાહ માટે પણ મહિને ઓછામાં ઓછા ₹૭,૫૦૦ની રકમ અત્યંત જરૂરી બની ગઈ છે. આવી સ્થિતિમાં સરકારશ્રીએ પણ પોતાનું સામાજિક દાયિત્વ સમજીને ઇપીએફ (EPF) પેન્શનધારકો માટે યોગ્ય ફંડની ફાળવણી કરી ત્વરિત ધોરણે માસિક ન્યૂનતમ પેન્શન ₹૭,૫૦૦ કરવું જોઈએ તેવી માંગણી સાથે પેન્શનરોએ અવાજ ઉઠાવ્યો છે.  ત્યારે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી દ્વારા પણ આ સંદર્ભે સરકારશ્રીએ ખૂબ ગંભીરતાથી આ બાબતનો અભ્યાસ કરીને શક્ય એટલી વહેલી તકે ઈપીએફ પેન્શન યોજના હેઠળ આવતા પેન્શન ધારકો માટે મિનિમમ ૭૫૦૦ રુપિયા કરવા માટે માંગ કરવામાં આવી છે. હવે વાત કરીએ ખાલી ગુજરાતની જ તો 

​ગુજરાતમાં જ અંદાજિત ૪ લાખ કે તેથી વધુ EPS-95 પેન્શનરોને હાલમાં માત્ર ₹૧,૨૦૦, ₹૧,૫૦૦ કે ₹૩,૦૦૦ જેવી અત્યંત નજીવી રકમ પેન્શન પેટે મળી રહી છે. જે આજના સમયમાં દવાનો ખર્ચ, રોજિંદા ખોરાક અને રહેઠાણ જેવા પ્રાથમિક ખર્ચાઓ પહોંચી વળવા માટે પણ પૂરતી નથી.  

​ઉંમર વધવાની સાથે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધતી જાય છે. યોગ્ય આર્થિક આવકના અભાવે અને મોંઘી તબીબી સારવારના કારણે ઘણા વૃદ્ધ પેન્શનરો ગંભીર રોગોથી પીડાવા છતાં યોગ્ય સારવાર કરાવી શકતા નથી. પોતાની જમા મૂડી અને *જીવનભરની સેવાઓ આપ્યા બાદ પણ આ ઉંમરે અન્ય પર આધારિત રહેવાની મજબૂરી પેન્શનરો માટે શારીરિક, માનસિક અને આર્થિક હાલાકીનું કારણ બની છે.*  

 બિપીનભાઈ પાંધી એ પોતાની આ માંગ સંદર્ભે જણાવ્યું હતું કે *દેશના વિકાસમાં મહત્વનું પ્રદાન આપનાર આ વરિષ્ઠ નાગરિકોની નાણાકીય અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સરકારની નૈતિક અને સામાજિક જવાબદારી છે. મોંઘવારીના આંકડાઓને ધ્યાનમાં રાખીને સરકારશ્રી વહેલી તકે યોગ્ય અને સાનુકૂળ પ્રતિસાદ આપે તેમજ ઈપીએફ પેન્શન સ્કીમ હેઠળ ઓછામાં ઓછું ₹૭,૫૦૦નું માસિક ન્યૂનતમ પેન્શન મંજૂર કરે* તેવી પુરજોર રજૂઆત કરવામાં આવી છે.

Related Posts