અમરેલી

વિશ્વ ટપાલ દિવસે વિશેષ: બદલાતા યુગ સાથે તાલ મિલાવતું પોસ્ટ ખાતું, ભૂતકાળના સંસ્મરણો અને વર્તમાનની નવી અપેક્ષાઓ

સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૯મી ઓક્ટોબરના રોજ ‘વિશ્વ ટપાલ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. ૧૮૭૪માં સ્વિટ્ઝર્લેન્ડના બર્ન શહેરમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના થઈ હતી અને ૧૯૬૯માં જાપાનના ટોકિયો ખાતે યોજાયેલી પરિષદ બાદ ૯મી ઓક્ટોબરથી આ દિવસ ઉજવવાનું શરૂ થયું હતું.  

​અતીતના મીઠા સંસ્મરણો અને ભાવાત્મક જોડાણ

​એક જમાનો હતો જ્યારે પોસ્ટ ઓફિસ અને ટપાલી સાથે લોકોનું ભાવાત્મક જોડાણ હતું. *ગામના પોસ્ટમાસ્ટર અને ટપાલીનું નામ લોકોને મોઢે રહેતું. સાઇકલની ‘ટ્રીન… ટ્રીન…’ ઘંટી વાગતાં જ આખું ઘર દરવાજે દોડી જતું.* પરીક્ષાની માર્કશીટ, નોકરીના એપોઇન્ટમેન્ટ લેટર, લગ્નના અભિનંદનના તાર કે વેવિશાળની વાતો માત્ર ટપાલ દ્વારા જ આવતી. *ધૂમકેતુની જાણીતી વાર્તાના પાત્ર ‘અલીડોસા’ની જેમ મરિયમના પત્રની રાહ જોવાતી હતી.* કુરિયર કે ઓનલાઇન ડિલિવરી બોય વિનાના એ યુગમાં *ટપાલી જ સુખ-દુઃખનો સંગાથી હતો. કોવિડ-૧૯ જેવી વિકટ આપત્તિ સમયે પણ ટપાલ વિભાગની સેવાઓ નોંધનીય રહી હતી.*  

​આજે બદલાતા યુગ અને ટેકનોલોજી સાથે પોસ્ટ વિભાગ પણ ઘણો અપગ્રેડ થયો છે. માત્ર પત્રો મોકલવા પૂરતો સીમિત ન રહેતા, પોસ્ટ ઓફિસે હવે બેંકિંગનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. પેન્શન, બચત ખાતા, સ્ટેમ્પ, કુરિયર અને અન્ય આર્થિક વ્યવહારો પણ હવે પોસ્ટ ઓફિસ દ્વારા થાય છે.  

​સાવરકુંડલા ખાતે મણીભાઈ ચોક પાસે હેડ પોસ્ટ ઓફિસ આવેલી છે. *પરંતુ હાલ આ પોસ્ટ ઓફિસ ભાડાના જર્જરીત મકાનમાં ચાલતી હોવાથી તેમજ સ્ટાફની અછતને કારણે કર્મચારીઓ પર કામનું ભારણ વધારે રહે છે. લોકો હવે સુવિધાસભર અને અધતન ઈમારતની માંગ કરી રહ્યા છે.*  

​આ અંગે *સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણીએ* ઈચ્છા વ્યક્ત કરી છે કે, પોસ્ટ ઓફિસને પોતાની નવી, સુવિધાસભર ઈમારત મળે તેમજ લોકો અને સરકારી પત્રવ્યવહાર માટે સ્પીડ પોસ્ટની રસીદ (પહોંચ) સરળતાથી ઉપલબ્ધ થાય.  

​તેમજ *અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શીંગાળાએ* જણાવ્યું હતું કે, વેપારીઓ માટે બેંક જેવી જ તમામ આધુનિક સુવિધાઓ પોસ્ટ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે તે સમયની માંગ છે.  

​અંતમાં…

સમયની બલિહારી સાથે ગામડે-ગામડે ઘોડા પર ટપાલ પહોંચાડવાથી શરૂ થયેલી સફર આજે પોસ્ટ તંત્રના પોતાના વાહનો સુધી પહોંચી છે. સરકાર દ્વારા પોસ્ટ ઓફિસના પ્લસ પોઈન્ટ્સ સાથે તેની ત્રુટિઓને ધ્યાનમાં લઈને આ વિભાગને હજુ વધુ અપડેટ અને સુવિધાસભર બનાવવામાં આવે તે અત્યંત ઈચ્છનીય છે.

Related Posts