ભાવનગર

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે ભાવનગર ખાતે સ્પીપા પ્રાદેશિક તાલીમ કેન્દ્રનો પ્રારંભ

ભાવનગર ખાતે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા)ના પ્રાદેશિક તાલીમ કેન્દ્રનો પ્રારંભ કેન્દ્રીય રાજ્યમંત્રી
શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જુનિયર ક્લાર્ક વર્ગ-૩ સંવર્ગના કર્મચારીઓની
પૂર્વ સેવા તાલીમના પ્રથમ વર્ગનો પણ પ્રારંભ થયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં સ્પીપા તાલીમ કેન્દ્ર શરૂ
થવું સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે. આ કેન્દ્ર દ્વારા સરકારી અધિકારીઓ-કર્મચારીઓને તાલીમની સાથે
યુવાનોને યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન અને યોગ્ય પ્લેટફોર્મ
મળશે. ભાવનગર ઉપરાંત બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના યુવાનો પણ તેનો લાભ લઈ શકશે.
તેમણે જણાવ્યું હતું કે, આર્થિક પરિસ્થિતિના કારણે અનેક પ્રતિભાશાળી યુવાનો માટે અમદાવાદ, ગાંધીનગર કે દિલ્હી
જઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી મુશ્કેલ બને છે. ભાવનગરમાં જ આ કેન્દ્ર શરૂ થતાં યુવાનોને ઘરઆંગણે
તાલીમ અને માર્ગદર્શનની સુવિધા મળશે. શિક્ષણ ગરીબીમાંથી બહાર આવવાનું સશક્ત માધ્યમ છે અને યોગ્ય તક
તથા માર્ગદર્શન મળે તો સામાન્ય પરિવારનો યુવાન પણ ઉચ્ચ સરકારી સેવામાં જોડાઈ શકે છે.

કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી અધિકારી-કર્મચારીઓ માટેની તાલીમ માત્ર કૌશલ્ય વિકાસ
પૂરતી મર્યાદિત ન રહેતા નાગરિકલક્ષી અભિગમ વિકસાવવાનું માધ્યમ બનવી જોઈએ. ‘નાગરિક દેવો ભવ’ની
ભાવના સાથે નાગરિકોના પ્રશ્નોનું સંવેદનશીલતાપૂર્વક નિરાકરણ લાવી સરકારી સેવાઓ અને પ્રક્રિયાઓને વધુ સરળ,
પારદર્શક અને લોકાભિમુખ બનાવવી જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે, સિદસર ખાતે આશરે ૨.૨૬ એકર જમીન પર ભવિષ્યમાં આધુનિક સ્પીપા કેન્દ્રનું નિર્માણ
કરવામાં આવશે. તેમાં સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી, હોસ્ટેલ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું
આયોજન છે. આ કેન્દ્ર ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને સરકારી
કર્મચારીઓની તાલીમ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે.
કમિશનરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ‘સ્પીપા એટલે અમદાવાદ’ એવી ઓળખ હતી.
ત્યારે ભાવનગર ખાતે પ્રાદેશિક તાલીમ કેન્દ્રની શરૂઆત સૌરાષ્ટ્રના યુવાનો માટે નવી તક સમાન છે. કેન્દ્રીય
રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી ભાવનગરને આ સુવિધા મળી છે. હવે યુવાનોને અમદાવાદ
ગયા વિના સ્થાનિક સ્તરે ગુણવત્તાસભર તાલીમ અને માર્ગદર્શન મળશે.
ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરતભાઈ રામાનુજે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં સ્પીપાનું વધુ એક પ્રાદેશિક
તાલીમ કેન્દ્ર શરૂ થવું સમયની જરૂરિયાત હતી. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના સતત પ્રયત્નોથી
આ કેન્દ્ર સાકાર થયું છે. બદલાતા કાયદા-નિયમો, વહીવટી પ્રક્રિયાઓ અને ટેકનોલોજી સાથે કર્મચારીઓની
કાર્યક્ષમતા વધારી નાગરિકોને વધુ સરળ અને ગુણવત્તાસભર સેવાઓ મળે તે દિશામાં આ કેન્દ્ર મહત્વપૂર્ણ ભૂમિકા
ભજવશે.
આ પ્રસંગે સ્પીપાના સંયુક્ત નિયામક શ્રી એ.એસ. માંડોદ, અમદાવાદ સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી હાર્દિકભાઈ
પ્રજાપતિ, શ્રી એચ.કે. રાઠોડ, કોર્પોરેટર શ્રી પરેશભાઈ ચૌહાણ, એમ.જે. કોલેજના પ્રિન્સિપાલ શ્રી દિલીપભાઈ જોશી,
મોડેલ શાળાના આચાર્ય શ્રી ડૉ.પ્રકાશભાઈ રાઠોડ સહિતના મહાનુભાવો, અધિકારીઓ, પ્રાધ્યાપકો, કોલેજના
વિદ્યાર્થીઓ તથા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts