ગાંધીનગર સચિવાલય ખાતે શ્રમ-રોજગાર મંત્રી અને ESIC પ્રાદેશિક બોર્ડના ચેરમેન શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ‘કર્મચારી રાજ્ય વીમા નિગમ’ (ESIC)ની ૯૪મી પ્રાદેશિક બોર્ડ બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રમ-રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ની સ્થિતિએ રાજ્યમાં ESIC યોજના હેઠળ આશરે ૨૧.૬૮ લાખથી વધુ વીમાધારકો તથા અંદાજે ૮૪ લાખ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે રોજગારીની તકોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાને લઈ આગામી ટૂંક સમયમાં ગુજરાતના વધુ ૮ લાખ જેટલા કામદારોને ESICના સામાજિક સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રમિકો અને તેમના પરિવારજનોને ઝડપી, ગુણવત્તાયુક્ત અને કેશલેસ સારવાર મળી રહે તે હેતુથી છેલ્લા બે મહિનામાં રાજ્યની ૬૮થી વધુ ખાનગી હોસ્પિટલોને ESICના પેનલમાં સામેલ કરવામાં આવી છે. જેના પરિણામે લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ વધુ સરળતાથી અને અસરકારક રીતે ઉપલબ્ધ બનશે. રાજ્યના શ્રમિકો અને તેમના પરિવારોને વધુ સુદ્રઢ આરોગ્ય સેવાઓ, સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, બોર્ડ દ્વારા દર ત્રણ મહિને બેઠક યોજીને શ્રમિક કલ્યાણ, આરોગ્ય સેવાઓ અને સામાજિક સુરક્ષાને લગતી વિવિધ બાબતોની સમીક્ષા કરવામાં આવશે. તદુપરાંત, બેઠકો વચ્ચે શ્રમિકો તરફથી રજૂ થતી માંગણીઓ અને પ્રશ્નોના પણ સમયબદ્ધ અને ત્વરિત નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર શ્રમિકો તથા તેમના પરિવારોને કોઈપણ મુશ્કેલી વિના ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ અને સામાજિક સુરક્ષાના લાભો ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રતિબદ્ધ છે.
આ બેઠકમાં ગત ૯૩મી પ્રાદેશિક બોર્ડ બેઠકની કામગીરી અને અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન પ્રાદેશિક બોર્ડનું પુનર્ગઠન તથા કો-ઓપ્ટ સભ્યોના નામાંકન, રાજ્યમાં ESIC સ્ટેટ સોસાયટીની રચના, હોસ્પિટલ માટે યોગ્ય જમીનની ફાળવણી સહિતના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ESIC અમદાવાદના પ્રાદેશિક નિયામક શ્રી હેમંતકુમાર પાંડેએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ બેઠકમાં પશ્ચિમ ક્ષેત્રના વીમા આયુક્ત શ્રી રત્નેશકુમાર ગૌતમ, તબીબી સેવાઓના અધિક સચિવ શ્રી મનીષ મોદી, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક શ્રી પી.એમ. શાહ, રાજ્ય ચિકિત્સા અધિકારી ડૉ. વિજયકુમાર ધાણક, SOHMના ચેરમેન, ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિઓ, એમ્પ્લોયર પ્રતિનિધિઓ, ESIC સંલગ્ન હોસ્પિટલના ડીન તથા મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ સહિત શ્રમ અને રોજગાર વિભાગ તેમજ ESICના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.













Recent Comments