અમરેલી

હાથસણી રોડ નગરપાલિકા હસ્તક લેવા જીગ્નેશ ભરાડની ચીફ ઓફિસરને રજૂઆત; ભાજપ શાસિત બોડી સામે ઉઠ્યા સવાલો.

શહેરના લાંબાગાળાના આયોજનબદ્ધ વિકાસ અને સ્થાનિકોની સુવિધા માટે સાવરકુંડલાના હાથસણી રોડનો ખોડીયાર ચોક થી પાણીના ટાંકા સુધીનો અંદાજે ૧.૫ કિમીનો માર્ગ નગરપાલિકાને સોંપવા માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા શહેર કોંગ્રેસ પ્રભારી જીગ્નેશભાઈ ભરાડ દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવાયું છે કે, જિલ્લા પંચાયત અને નગરપાલિકા બંનેમાં ભાજપ શાસિત બોડી હોવા છતાં અને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, આ રોડ પર રહેતા લોકોની સુખાકારી માટે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. બે વિભાગો વચ્ચેની વહીવટી ખેંચતાણમાં જનતા હેરાન થઈ રહી છે.

આપને જણાવી દઈએ કે હાલ આ માર્ગ જિલ્લા પંચાયત હસ્તક હોવાથી ત્યાં સીસી રોડ, ડિવાઈડર, સ્ટ્રીટ લાઈટ કે ફૂટપાથ જેવા વિકાસકામો કરવામાં પારાવાર વહીવટી મુશ્કેલીઓ નડે છે. જો આ રોડ પાલિકા હસ્તક લેવાય તો તેને ‘મોડેલ રોડ’ તરીકે ઝડપથી વિકસાવી શકાય તેમ છે.

શહેર કોંગ્રેસ પ્રભારી જીગ્નેશભાઈ ભરાડ દ્વારા આ રજૂઆતની નકલો જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર અને કાર્યપાલક ઈજનેર (R&B)ને પણ યોગ્ય વહીવટી કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે.

Related Posts