અંધકારને હટાવીને જે દીપ જગાવે છે,
સાચી માનવતા જગમાં એ જ બતાવે છે.
સેવા તણો આ યજ્ઞ અવિરત ચાલતો રહે,
દ્રષ્ટિ આપીને સૌને ખુશીઓ અપાવે છે.
–“પાંધી સર”
સાવરકુંડલાની પવિત્ર ભૂમિ પર આજે સેવા અને સમર્પણનો સંગમ જોવા મળ્યો હતો. શ્રી સદ્દગૂરૂ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ, સાવરકુંડલા અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી – શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ, સુદર્શન નેત્રાલય હોસ્પિટલ (અમરેલી) ના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનું મંગલ પ્રારંભ કબીર ટેકરીના અરુણલાલ સાહેબ અને લાલભાઈ ગોહિલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલ વ્યાસ, ચીમનભાઈ (નાથજી નાગરિક બેંક), માધવ વ્યાસ, જગદીશભાઈ જેઠવા અને જિતેનભાઇ હેલૈયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા ૧૮ વર્ષથી દર મહિનાના ચોથા ગુરુવારે નિયમિત રીતે યોજાતા આ કેમ્પમાં આજે પણ દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. કુલ ૭૨ દર્દીઓએ પોતાની આંખોની તપાસ કરાવી હતી. તપાસ બાદ મોતિયાના ઓપરેશન માટે ૧૪ દર્દીઓની પસંદગી કરવામાં આવી છે, જેમના ઓપરેશન સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવશે.
આ કેમ્પને સફળ બનાવવા માટે સુદર્શન નેત્રાલયના અતુલભાઈ દવે, નિલેષભાઈ ભીલ, હિંમતભાઈ કાછડીયા તથા તેમના સ્ટાફ સાથે કબીર ટેકરીના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આંખના રોગોથી પીડાતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીનારાયણ માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો હતો.














Recent Comments