ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૧ જુલાઈથી ૭ જુલાઈ
દરમિયાન યોજાનાર “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત ભાવનગર જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ
સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે આવેલી ગવર્નમેન્ટ નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.
રાજ્ય સરકારના આ અભિયાનનો હેતુ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, દર્દી સુરક્ષા, ચેપ
નિયંત્રણ તથા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનો છે.
રાજ્યકક્ષાના કાર્યક્રમનું ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તથા આરોગ્ય મંત્રીશ્રી
પ્રફુલ્લભાઇ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેનું ભાવનગર જિલ્લાના
ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ નિહાળ્યું હતું.
રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને તમામ હેલ્થકેર પ્રોફેશનલ્સની
નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની, જ્યારે
આરોગ્ય મંત્રીશ્રીએ સ્વચ્છતાને દૈનિક જીવનની ટેવ બનાવવાની અપીલ કરી હતી.સાથે સ્તનપાન પર વિશેષ ધ્યાન
આપતો અને તેના મહત્વ ને સમજાવતો “અમૃતપાન અભિયાન” નો પણ શુભારંભ કરવામા આવ્યો હતો અને
વિશેષરૂપે તૈયાર કરાયેલ પુસ્તિકા અને ફ્લિપચાર્ટનુ લોન્ચીગ કરવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાએ પોતાના સંબોધનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય
તેટલો ઓછો કરવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક અભિયાન નહીં પરંતુ
જીવનશૈલી બનવી જોઈએ. સાથે જ તેમણે જિલ્લાના તમામ આરોગ્ય સંસ્થાઓને સ્વચ્છ, સુઘડ અને દર્દી-મૈત્રીપૂર્ણ
બનાવી તેની સતત જાળવણી કરવા માટે સૌને સંયુક્ત પ્રયાસો કરવાની અપીલ કરી હતી.
રિજનલ ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. હરેશ વાળાએ દરેક આરોગ્ય સંસ્થામાં સ્વચ્છતા માટે સમર્પિત ટીમોની રચના
કરી નિયમિત સુપરવિઝન અને મોનિટરિંગ દ્વારા અભિયાનને અસરકારક રીતે અમલમાં મૂકવા ઉપર ભાર મૂક્યો હતો.
મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહએ હોસ્પિટલમાં સ્વચ્છતા અને ચેપ નિયંત્રણના નિયમોનું કડક પાલન
કરી દર્દીઓ હોસ્પિટલજન્ય ચેપથી સુરક્ષિત રહે તે માટે જરૂરી તમામ પગલાં નિયમિતપણે અમલમાં મૂકવાની
જરૂરિયાત પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે શ્રી સરદાર પટેલ સ્કૂલ, કાળીયાબીડના વિદ્યાર્થીઓએ
ડૉક્ટર્સ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા અને શુભેચ્છાઓ અનોખી રીતે વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓએ ડૉક્ટર્સની નિઃસ્વાર્થ અને
સમર્પિત સેવાઓને બિરદાવી તેમને શુભકામનાઓ પાઠવી હતી, જે ઉપસ્થિત સૌ માટે પ્રેરણાદાયી અને ભાવુક ક્ષણ
બની હતી.
કાર્યક્રમની આભારવિધી ડૉ. રમેશ સિન્હા, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા
કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. ધવલ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.
“નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત આગામી સપ્તાહ દરમિયાન જિલ્લાના તમામ સરકારી આરોગ્ય
સંસ્થાઓમાં સ્વચ્છતા, 5-S અમલીકરણ, ચેપ નિયંત્રણ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અને દર્દી સુરક્ષાને વધુ મજબૂત
બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે શ્રી સરદાર પટેલ સ્કૂલ, કાળીયાબીડના વિદ્યાર્થીઓએ
ડૉક્ટર્સ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા અને શુભેચ્છાઓ અનોખી રીતે વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓએ ડૉક્ટર્સની નિઃસ્વાર્થ અને
સમર્પિત સેવાઓને બિરદાવી તેમને શુભકામનાઓ પાઠવી હતી, જે ઉપસ્થિત સૌ માટે પ્રેરણાદાયી અને ભાવુક ક્ષણ
બની હતી.
કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત
રહ્યા હતા. આ ઉપરાંત મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહ, રિજનલ ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. હરેશ વાળા, સર ટી.
હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. અશોક વાળા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કોકિલાબેન સોલંકી,
આર.એમ.ઓ. ડૉ. આદેશરા, વિવિધ વિભાગોના અધ્યક્ષશ્રીઓ, જીલ્લા ક્વોલીટી એશ્યોરન્સ અધિકારી, એપીડેમીક
મેડીકલ ઓફિસર, નર્સિંગ વિદ્યાર્થીઓ, જિલ્લા અને મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ તેમજ સર ટી.
હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

















Recent Comments