અમરેલી

“સ્વસ્થ જીવન અને સુરક્ષિત ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ માર્ગ”

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના માનનીય કુલપતિશ્રી પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાના હેતુસર ડેરી પીપરિયા અને નવા પીપરિયા ગામ ખાતે ખરીફ ઋતુ પાક નિદર્શન તથા પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના આચાર્યશ્રી ડૉ. એસ.પી. દેશમુખના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ૭૫થી વધુ ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તાલીમ દરમિયાન કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કે. વી. મસાલીયા અને શ્રીઆર. એચ. વઘાસિયા, ખેતી અધિકારી શ્રી એચ.વી.વળિયા તથા શ્રી જે.બી.પરમાર તેમજ ખેતી મદદનીશ શ્રી એસ.એ.બારડ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, વાપસા અને આચ્છાદન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કુદરતી જીવાત નિયંત્રણની પદ્ધતિઓ અને મિશ્રપાક પદ્ધતિના લાભો અંગે વૈજ્ઞાનિક માહિતી પણ આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન એક જ ખેતરમાં વિવિધ પાકોનું વૈજ્ઞાનિક આયોજન કરીને જમીનની ફળદ્રુપતા જાળવવી, જીવાત અને રોગના ઉપદ્રવમાં ઘટાડો કરવો, ઉત્પાદનની સ્થિરતા વધારવી તેમજ ખેડૂતોની આવકમાં વધારો કરવાના મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત રોજિંદા જીવનમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કૃષિ પેદાશોના ઉપયોગથી સ્વાસ્થ્યલક્ષી લાભો અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી સંબંધિત પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અપનાવી ખેતીને વધુ ટકાઉ, પર્યાવરણમૈત્રી, સ્વાવલંબી અને ખર્ચ અસરકારક બનાવવાની અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીને સ્વસ્થ જીવન, સુરક્ષિત ભવિષ્ય અને ટકાઉ કૃષિ વિકાસ માટે શ્રેષ્ઠ વિકલ્પ ગણાવી તેના વ્યાપક અમલીકરણની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ વધારવા અને ટકાઉ કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો.

Related Posts