મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૬’ તેમજ કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા આયોજિત ‘છાપ પ્રદર્શન’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સરદાર તરનજીતસિંહ સંધૂની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે ગુરુદ્વારા સુધારણા ચળવળના પ્રણેતા અને સ્વાતંત્ર્ય વીર સરદાર તેજાસિંહ સમુંદ્રીના જીવન પર આધારિત પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને રાષ્ટ્રસેવાનાં ૨૫ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે યોજાયેલો આ પુસ્તક મહોત્સવ જ્ઞાન, સાહિત્ય અને સંસ્કૃતિના આદાનપ્રદાનને નવી દિશા આપશે.
તેમણે કહ્યું કે નાગરિકોના જીવનધોરણમાં સુધારાની સાથે તેમની જ્ઞાનસંપત્તિ સમૃદ્ધ બને, ચિંતનશીલતા વિકસે અને સમાજમાં સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે વડાપ્રધાનશ્રીના સર્વાંગી વિકાસના વિઝનનો અભિન્ન હિસ્સો છે.
મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર આયોજનની સરાહના કરતાં કહ્યું કે શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે નાગરિકોમાં વાંચનપ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા 'વાંચે ગુજરાત' અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ વિચારને આગળ ધપાવી અમદાવાદ મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૧૨માં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રથમ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કર્યું હતું. આ પરંપરા સતત વિસ્તરીને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે અને અમદાવાદની સાંસ્કૃતિક ઓળખને વધુ ઉજાગર કરી રહી છે.મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર, માતૃભાષા ગુજરાતી અને સાહિત્યના જતન તથા સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે. આ માટે રાજ્યના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં શિક્ષણ, ગ્રંથાલયોના વિકાસ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગુજરાતી ભાષાના પ્રોત્સાહન માટે રૂ. ૧૮૨ કરોડની જોગવાઈઓ કરવામાં આવી છે. જે અંતર્ગત આદિજાતિ વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડાના નામે ગ્રંથાલયો ઊભાં કરવા તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે ગ્રંથાલયોના નિર્માણ, વિસ્તરણ અને આધુનિકીકરણ માટે વિવિધ પગલાં લેવાયા છે.
ગાંધીનગરમાં અતિઆધુનિક ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’ની સ્થાપના માટે રૂ. ૧૦૦/- કરોડની જોગવાઈ પણ અંદાજપત્રમાં કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાષ્ટ્રનિર્માણમાં બાળકો અને યુવાનોમાં સંસ્કારસિંચન પર ભાર મૂકતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નવી પેઢીને દેશના ઇતિહાસ, સ્વાતંત્ર્ય સંગ્રામના નાયકો અને તેમના અમૂલ્ય યોગદાનથી પરિચિત કરાવવી જરૂરી છે.
આ સંદર્ભે સ્વાતંત્ર્ય સેનાની, ગુરુદ્વારા સુધારણા ચળવળના પ્રણેતા અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સ્થાપક સરદાર તેજાસિંહ સમુંદ્રીના જીવન અને વારસા પર આધારિત ‘સરદાર તેજાસિંહ સમુંદ્રી: જીવન અને વારસો’ પુસ્તકના વિમોચનને તેમણે ગૌરવની પળ ગણાવી હતી.મુખ્યમંત્રીશ્રીએ દૃઢતાપૂર્વક કહ્યું કે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ જ્ઞાનના આદાનપ્રદાનને વેગ આપવાની સાથે ગુજરાતની સાહિત્યિક અને સાંસ્કૃતિક ઓળખને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનાવશે. આ માટે તેમણે નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, અમદાવાદ મહાનગરપાલિકા, આયોજકો, પ્રકાશકો, લેખકો, સાહિત્યકારો અને મહોત્સવ સાથે સંકળાયેલા તમામને અભિનંદન પાઠવ્યાં હતાં.
આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને પુસ્તકોને જીવનના સાથી બનાવી જ્ઞાન અને સંસ્કારોનું સંવર્ધન કરવા તથા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સરદાર તરનજીતસિંહ સંધૂએ જણાવ્યું કે પુસ્તક મહોત્સવ વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ અને વિચારોને જોડવાનું સશક્ત માધ્યમ આ મહોત્સવ વાચકો, લેખકો અને યુવા પ્રતિભાઓને જ્ઞાનના નવા આયામો સાથે જોડશે.તેમણે કહ્યું કે સરદાર તેજાસિંહ સમુંદ્રીનું જીવન સામાજિક સુધારણા, લોકસેવા અને રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. ગુરુદ્વારા સુધારણા આંદોલન, શિક્ષણના પ્રસાર તથા મહિલાઓ અને વંચિત વર્ગોના સશક્તીકરણમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું.
તેમણે જણાવ્યું કે અનુવાદ એક ભાષાના વિચારો અને ઇતિહાસને બીજી ભાષાના વાચકો સુધી પહોંચાડે છે. સરદાર સમુંદ્રીના જીવન પર આધારિત પુસ્તકની ગુજરાતી આવૃત્તિથી ગુજરાતના વાચકોને તેમના યોગદાનથી પરિચિત થવાની તક મળશે.
શ્રી સંધૂએ કહ્યું કે પુસ્તકો વ્યક્તિમાં વિચારશક્તિ, સર્જનાત્મકતા અને વિવિધ દૃષ્ટિકોણને સમજવાની ક્ષમતા વિકસાવે છે. બાળકોમાં વાંચનની ટેવ કેળવવા શાળાઓ, કૉલેજો અને ગ્રંથાલયોમાં વાંચનનું વાતાવરણ ઊભું કરવું જરૂરી છે. વિકસિત ભારત @૨૦૪૭ના નિર્માણ માટે ટેક્નોલોજી અને આર્થિક પ્રગતિની સાથે જ્ઞાનસભર, સંવેદનશીલ અને નવીન વિચારો ધરાવતા નાગરિકોનું ઘડતર પણ અનિવાર્ય છે.આ અવસરે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે સૌને આવકારી આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવની વિગતો આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોએ પુસ્તકોના વિવિધ સ્ટોલ્સ તેમજ છાપ પ્રદર્શનની મુલાકાત લઈ સમગ્ર આયોજનની સરાહના કરી હતી.આ સાથે જ, મુખ્યમંત્રીશ્રીએ ઔડા વિસ્તારના વરિષ્ઠ નાગરિકોના પરિવહન માટે નિ:શુલ્ક પાસ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. તદુપરાંત, થલતેજ-શેલા તથા વાડજ-પલસાણા એમ બે અલગ અલગ રૂટ પર AMTSની નવીન બે નવીન બસો તથા એક વધારાની બસને લીલી ઝંડી આપીને પ્રજાપર્ણ કરી હતી.વર્ષ ૨૦૧૨થી શરૂ થયેલો આ પુસ્તકોત્સવ આજે વિદ્યાર્થીઓ, વાચકો અને સાહિત્યપ્રેમીઓ માટે જ્ઞાન અને સર્જનાત્મકતાના આદાન-પ્રદાનનું એક સશક્ત મંચ બન્યો છે. આ વર્ષે ૭૦૦થી વધુ બુકસ્ટોલ અને ૧૨૫થી વધુ અગ્રણી પ્રકાશકો જોડાયા છે.આ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની તા. ૧લી નવેમ્બર સુધી સવારે ૧૧ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી મુલાકાત લઈ શકાશે. જેમાં ગુજરાતી સાહિત્ય, કવિતા, ગઝલ, સંગીત, પુસ્તકસર્જન, લેખનકળા, બાળસાહિત્ય અને વિચારવિમર્શને આવરી લેતા વિવિધ કાર્યક્રમો યોજાશે. આ પુસ્તકમેળાના મુખ્ય આકર્ષણોમાં રંગમંચ, ડોમ-૧માં યોજાનારા ચિલ્ડ્રન્સ પેવેલિયન અને ઓથર્સ કોર્નર તથા ડોમ-૨માં યોજાનારા જ્ઞાન ગંગા રાઇટિંગ વર્કશોપ અને વિચાર મંથનનો સમાવેશ થાય છે.
પુસ્તકોની સાથે હસ્તકલા અને ટેક્સટાઇલ ક્ષેત્રને બળ આપવા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી (NIFT) દ્વારા ‘છાપ પ્રદર્શન’ યોજાયું છે. જેમાં દેશભરના ૯૨થી વધુ કારીગરોની પરંપરાગત કળાને NIFTના વિદ્યાર્થીઓ દ્વારા નવેસરથી ડિઝાઇન કરી, આકર્ષક સ્વરૂપે પ્રદર્શિત કરવામાં આવી છે.
આ સમારોહમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાંસદ દિનેશભાઈ મકવાણા, સ્થાનિક ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, નેશનલ બુક ટ્રસ્ટના મિલિંદ મરાઠે તેમજ યુવરાજ મલિક, અમ્યુકોના અધિકારીઓ-પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
**
**