કૃષિ એ ભારતીય અર્થતંત્રનો મુખ્ય આધારસ્તંભ છે અને દેશના આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે ટેક્નોલૉજીના ઉપયોગથી ખેડૂતો માટે બજાર સુધીની પહોંચ અને વેચાણની પ્રક્રિયા સરળ બની રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ખેડૂતો માટે હિતકારી નિર્ણય લઈને વર્ષ 2016માં ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (e-NAM) પોર્ટલ લૉન્ચ કર્યું હતું, જે કૃષિ પેદાશોના વેચાણ માટેનું એકીકૃત ઑનલાઇન પ્લેટફોર્મ છે. ગુજરાતમાં e-NAM પોર્ટલ સાથે 8.87 લાખથી વધુ લોકો જોડાયા છે, જેમાં 8,69,922 ખેડૂતો, 10,291 વેપારીઓ, 7,191 કમિશન એજન્ટ્સ અને 461 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs)નો સમાવેશ થાય છે.
*ઇ-નામ પર રાજ્યની 144 મંડીઓ સંકલિત, ₹12,000 કરોડથી વધુની કૃષિ પેદાશોનું વેચાણ*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ખેડૂતોને કૃષિ પેદાશોના વેચાણ માટે વધુ સારી તકો મળી રહી છે. ઇ-નામ પોર્ટલના માધ્યમથી ખેડૂતો પોતાની પેદાશો ઓનલાઇન વેચીને વધુ ખરીદદારો સુધી પહોંચી શકે છે. આથી તેમને પેદાશોના સારા ભાવ મેળવવામાં મદદ મળે છે. રાજ્યની 144 મંડીઓ e-NAM પોર્ટલ સાથે સંકળાયેલી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ઇ-નામ દ્વારા ₹12,740.60 કરોડ મૂલ્યની 3.20 કરોડ ક્વિન્ટલથી વધુ કૃષિ પેદાશોનું વેચાણ થયું છે.*ઇ-નામ (e-NAM) શું છે?*
નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (e-NAM) એ એક ઑનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે, જે વિવિધ APMC મંડીઓને એક જ બજાર વ્યવસ્થા સાથે જોડે છે. કૃષિ મંત્રાલય હેઠળ સ્મોલ ફાર્મર્સ એગ્રીબિઝનેસ કન્સોર્ટિયમ (SFAC) દ્વારા સંચાલિત આ પ્લેટફોર્મ કૃષિ પેદાશોના વેચાણની પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવે છે. તે વચેટિયાઓ પરની નિર્ભરતા ઘટાડવાની સાથે માંગ અને પુરવઠાના આધારે પેદાશોના બજારભાવ જાણવામાં પણ મદદ કરે છે. e-NAMથી ખેડૂતોને પારદર્શક હરાજી, ગુણવત્તા મુજબ ભાવ અને સમયસર ઑનલાઇન ચુકવણીનો લાભ મળે છે.
*ઇ-નામથી ઉપલેટા માર્કેટ કમિટીના હરીશ ઘોડાસરાની આવકમાં 15થી 20 ટકાનો વધારો થયો*
ઉના માર્કેટ કમિટીના પરબતભાઈ પટાત છેલ્લા એક વર્ષથી e-NAM દ્વારા મગફળીનું વેચાણ કરે છે. પરંપરાગત સ્થાનિક બજારની સરખામણીએ e-NAM પર વેચાણની પ્રક્રિયા ઝડપી છે અને તેમને દરેક વેચાણમાં ₹200થી ₹500 વધુ મળે છે. તેમના જણાવ્યા મુજબ, આના પરિણામે તેમની કુલ આવકમાં અંદાજે 5થી 7 ટકાનો વધારો થયો છે. e-NAM પર મગફળીના સારા ભાવ મળવાની સાથે વેચાણની રકમ સીધી બેંક ખાતામાં જમા થતી હોવાથી પ્રક્રિયા પણ સરળ બને છે.
ઉપલેટા માર્કેટ કમિટીના હરીશ ઘોડાસરા પણ છેલ્લા પાંચ વર્ષથી e-NAM દ્વારા કપાસ, મગફળી અને ઘઉંનું વેચાણ કરે છે. તેમના જણાવ્યા મુજબ, સ્થાનિક બજારની સરખામણીએ e-NAM દ્વારા વેચાણ કરવાથી તેમની આવકમાં 15થી 20 ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં, વેપારીઓ સાથે સીધો સંપર્ક થવાથી કમિશનનો ખર્ચ બચે છે અને વેચાણની રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે. e-NAMથી મળતા આર્થિક લાભોને કારણે આજે તેઓ પોતાની કૃષિ પેદાશો ઑનલાઇન વેચવાનું પસંદ કરે છે.
e-NAMના સફળ અમલીકરણ દ્વારા ગુજરાત ટેક્નોલૉજી આધારિત કૃષિ વિકાસ અને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.