અમરેલી

અમરેલીમાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ રેડ: એક સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી

અમરેલીમાં બાળ અને તરૂણ મજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ની અમલવારીના ભાગરૂપે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, અમરેલી દ્વારા જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ સાથે મળીને તા.૨૨ જૂન ૨૦૨૬ના રોજ અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારની વિવિધ સંસ્થાઓમાં “ચાઈલ્ડ લેબર રેડ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેડ ૧૨ જૂન “વિશ્વ બાળ મજૂર વિરોધી દિવસ” અંતર્ગત બાળમજૂરી નાબૂદી ઝુંબેશના ભાગરૂપે પાડવામાં આવી હતી.

આ સંયુક્ત ઓપરેશનમાં સરકારી શ્રમ અધિકારી શ્રી એમ.એચ. પરમાર, ડિસ્ટ્રિક્ટ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના સુશ્રી પી.વી. બગડા, નગરપાલિકાના શોપ ઇન્સ્પેક્ટર શ્રી કે.એન. કાબરીયા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શ્રી એન.એમ. વરૂ, જીલ્લા બાળ સુરક્ષા એકમના સુશ્રી કે.બી. સાવલિયા અને ચાઇલ્ડ હેલ્પલાઇન (૧૦૯૮) ના કાઉન્સેલર શ્રી આર.જે. પરમાર સહિતના સભ્યો જોડાયા હતા.

તપાસ દરમિયાન અમૂલ ડેરી પાસે, ચલાલા રોડ પર આવેલી ‘અનંતા ધ ગાર્ડન રેસ્ટોરન્ટ’ માં ૧ (એક) તરૂણ શ્રમયોગી ગેરકાયદેસર રીતે કામ કરતો મળી આવ્યો હતો. આ કાયદાના ભંગ બદલ સંબંધિત રેસ્ટોરન્ટને નોટિસ પાઠવવામાં આવી છે અને તેની સામે નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ મદદનીશ શ્રમ આયુક્ત અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts