ગુજરાત

અમદાવાદના ઐતિહાસિક વાસણા બેરેજનો કાયાકલ્પ : માત્ર ૩૫ દિવસના રેકોર્ડ સમયમાં નવા દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ

ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પરના મહત્વપૂર્ણ એવા વાસણા-બેરેજના આધુનિકીકરણની કામગીરી માત્ર ૩૫ દિવસના રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યના જળસંપત્તિ વિભાગ હેઠળ કાર્યરત યાંત્રિક શાખા દ્વારા રૂ. ૧૦.૧૫ કરોડના ખર્ચે ૧૯ નવા દરવાજા નાખવાનું અને ૧૦ ગેટનું રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સાથે જ સાબરમતી નદીમાં ફરી પાણી ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને જળ સંપત્તિ-પાણી પુરવઠા મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ જળ સંપત્તિ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ડેમ સલામતીના કામોને અગ્રતા આપવામાં આવી રહી છે.

પ્રિ-મોન્સુન નિરીક્ષણ બાદ ત્વરિત એક્શન:

વર્ષ ૧૯૭૬માં નિર્માણ પામેલો વાસણા બેરેજ અમદાવાદ શહેર માટે પૂર નિયંત્રણ અને જળ વ્યવસ્થાપનનું મહત્વપૂર્ણ માળખું છે. વર્ષ ૨૦૨૫માં ડેમ-સેફ્ટી એક્ટ હેઠળ કરાયેલા પ્રિ-મોન્સુન નિરીક્ષણમાં યાંત્રિક શાખા દ્વારા બેરેજના દરવાજાઓનું નવીનીકરણ અને રીપેરીંગ માટે ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણોના આધારે બેરેજની લાંબાગાળાની સુરક્ષાને ધ્યાને રાખીને ગત તા. ૧૭ એપ્રિલ ૨૦૨૬થી બેરેજમાંથી પાણી સંપૂર્ણ ખાલી કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી.

માત્ર ૩૫ દિવસમાં મિશન પૂર્ણ

જળ સંપત્તિ હેઠળની યાંત્રિક શાખા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને દરવાજાના વિવિધ ભાગોની ફેબ્રીકેશન કામગીરી ચાર માસમાં પૂર્ણ કરીને ડેમમાં પાણી ખાલી થયા બાદ માત્ર ૩૫ દિવસ જેવા ટૂંકા ગાળામાં અંદાજે રૂ. ૧૦.૧૫ કરોડના ખર્ચે પાંચ હેવી ડ્યુટી મોબાઇલ ક્રેનની મદદથી ૧૯ દરવાજા બદલવાની તેમજ ૧૦ ગેટની રીપેરીંગ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. આ કામગીરીમાં કુલ ૪૬૦ મેટ્રીક ટન સ્ટ્રકચરલ સ્ટીલનો ઉપયોગ કરાયો છે. યાંત્રિક કામગીરીની સાથે સાથે સિવિલ વિભાગ દ્વારા પણ હયાત સિવિલ સ્ટ્રકચરના મજબૂતીકરણ માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી. સામાન્ય રીતે આ આ પ્રકારની કામગીરી પૂર્ણ કરવામાં ચાર- પાંચ મહિનાનો સમય લાગતો હોય છે. પરંતુ આ કામ માત્ર ૩૫ દિવસમાં જ પૂર્ણ કરવામાં આવ્યું. હવે, દરવાજાની ઉંચાઇ સુધી બેરેજમાં પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, વાસણા બેરેજ ખાતે ૬૦ ફુટ X ૧૨ ફુટ સાઇઝના -૨૪ નંગ, ૬૦ ફુટ X ૧૪ ફુટ સાઇઝના -૨ નંગ તથા ૬૦ ફુટ X ૧૬ ફુટ સાઇઝના -૪ નંગ એમ કુલ ૩૦ દરવાજા લગાવવામાં આવ્યા છે. જેમાં વર્ષ-૨૦૧૦માં ત્રણ દરવાજા, ૨૦૧૧માં બે, વર્ષ-૨૦૧૩માં પાંચ દરવાજા તથા વર્ષ-૨૦૨૫માં એક એમ કુલ ૧૧ દરવાજા જરૂરીયાત મુજબ બદલવામાં આવ્યા હતા.

આ કામગીરી પૂર્ણ થવાથી ચોમાસા દરમિયાન ડેમની સલામતીમાં વૃદ્ધિ થશે અને આગામી સમયમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ પૂરતું પાણી મળી રહેશે.

Related Posts