અમરેલી

અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ, કાનૂની, તબીબી સહાય, હંગામી ધોરણે આશ્રય તેમજ સામાજિક પરામર્શ જેવી ૦૫ સેવાઓ પૂરી પાડતું સખી વન સ્ટોપ સેન્ટર નિ:સહાય મહિલાઓ માટે આશિર્વાદ સમાન

અમરેલી તા.૦૪ જુલાઈ૨૦૨૫ (શુક્રવાર) અમરેલી ‘સખી વન સ્ટોપ ૨૪X૭’ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત છે. હિંસાથી પીડિત મહિલાઓને વિવિધ પોલીસ, કાનૂની, તબીબી સહાય, હંગામી ધોરણે આશ્રય તેમજ સામાજિક પરામર્શ તેમજ કાયદાકીય મદદ સહિતના પ્રકારની સહાય અને સેવાઓ આ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પૂરી પાડવામાં આવે છે.

સતર વર્ષીય એક તરુણી જયારે નાની વયની હતી ત્યારે તેણીનાં માતાનું અવસાન થયું હતું. તે તરુણી અને તેનો નાનો ભાઈ છેલ્લા સાત-આઠ વર્ષથી તેમના મામાના ઘરે રહેતા હતા. તાજેતરમાં આ તરુણી તેના ઘરેથી નીકળી તે જાતે મદદ માટે અમરેલી સખી વન સ્ટોપ સેન્ટર પર આવી હતી. આ તરુણીના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. સાવકી માતા અને તરુણીને એકબીજા સાથે સમસ્યા હતી. આ પારિવારિક સમસ્યાઓ વચ્ચે ધો.૧૦માં એક વિષયમાં નાપાસ થતાં તે તરુણી ઘરેથી નીકળી ગઈ હતી.

અભ્યાસમાં આગળ કઈ કરી નહિ શકે તેવી લઘુતાગ્રંથિથી પીડાતી હોવાથી તરુણીએ અભ્યાસ છોડી દેવાનું નક્કી કર્યું હતું. માનસિક રીતે ખૂબ જ હતાશ હતી તેવા સમયે તેને આશાના કિરણ સમાાન સખી વન સ્ટોપ સેન્ટરનો સહારો મળ્યો. અમરેલી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવી ત્યારે આ તરુણી તેના પિતા કે મામા એમ કોઈના પણ ઘરે જવા માંગતી નહોતી.

સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક અને કર્મચારી દ્વારા આ તરુણીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. બે દિવસ સુધી તેને સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય મળ્યો. આ તરુણી સાથે પરામર્શ કરતા તરુણીને તેના આગળના અભ્યાસ માટે તૈયાર કરવામાં સખી વન સ્ટોપ સેન્ટરના કર્મયોગીશ્રીઓને સફળતા મળી હતી.

આ કામગીરી માટે અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી શૈલેશ કણઝરિયાએ સખી વન સ્ટોપ સેન્ટરને માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. અમરેલી સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક શ્રી રત્નાબેન ગોસ્વામીએ તરુણીને અભ્યાસ અને અભ્યાસના મહત્વ વિશે સમજાવી હતી. તરુણીએ ધો.૧૦માં એક વિષયને બાદ કરતા અન્ય વિષયોમાં ૭૦ થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હોય તો ફક્ત એક વિષય માટે અભ્યાસ ન મૂકવા તેનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતુ.  તરુણી અન્ય વિષયોમાં નિપુણ હોવાથી અભ્યાસ કરે અને આર્થિક રીતે પગભર થાય તે માટે તેને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું, અને તેથી તે તરુણીનું મન પરિવર્તન થયુ હતું.

આ કાઉન્સેલિંગ બાદ તરુણી તેમનાં પિતાના ઘરે રહેવા અને તેનો આગળનો અભ્યાસ પૂર્ણ કરવા સહમત થઈ હતી. ત્યારબાદ આ તરુણીના પિતાને સેન્ટર પર બોલાવી તેને પણ દીકરીના અભ્યાસ અને પારિવારિક રીતે સમાધાન માટે સમજૂત કરવામાં આવ્યા હતા.

આમ, સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયત્નોથી અને સમજાવટથી તરુણીના પિતાને તેની ભૂલ સમજાઈ હતી અને હવે પછી દીકરીની અભ્યાસ તેમજ અન્ય જવાબદારી પિતા તરીકે તે નિભાવશે તેવું તેમણે જણાવ્યુ હતુ.

સખી વન સ્ટોપના પ્રયાસોથી આ તરુણી અને તેના પિતા વચ્ચે સુખદ સમાધાન થયું હતું. તરુણીના પ્રશ્નોનું નિરાકણ થતાં તેને તેના પિતાને સોંપીને તરુણીનું તેના પરિવારમાં પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે, તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts