ગુજરાત

લાઠી તાલુકાના જરખીયા ગામની બહેન-દીકરીઓનું “સખી વૃન્દ” સુરત ખાતે સ્નેહમિલન

લાઠી તાલુકાના જરખીયા ગામની બહેન-દીકરીઓનું “સખી વૃન્દ” સુરત  ખાતે સ્નેહમિલન તા.૧૦/૦૭/૨૦૨૬ ને શુક્રવારે ગઢપુર રોડ પર આવેલ રામવાડી પાર્ટી પ્લોટ માં બપોરે ૩ થી ૯ વાગ્યા દરમિયાન યોજાયેલ. કાર્યક્રમ ની શરુઆત દિપ પ્રાગટય અને રાષ્ટ્ર ગીતથી કરવામાં આવેલ.
જરખીયા ગામની દિકરીઓ ના આ સ્નેહમિલન “સખી વૃન્દ” કાર્યક્રમમાં ૬૦૦ જેટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનો, દીકરીઓ અને ફઈઓને જોઈને એવું લાગતું હતું કે જાણે “આખોય સાગર ગાગરમાં સમાઈ ગયો હોય.”
કાર્યક્રમ દરમિયાન ગામડાઓને જીવંત રાખવા, સામાજિક એકતા મજબૂત બનાવવા, પરંપરાઓને જાળવવા અને સમાજમાં સુખ-શાંતિ તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌને આહ્વાન કરવામાં આવ્યું.
આપણી સંસ્કૃતિ, વારસો અને વિરાસતોને જીવંત રાખવા, નવી પેઢીને તેના સંસ્કારો સાથે જોડવા અને ગામ સાથેનો લાગણીભર્યો સંબંધ વધુ મજબૂત બનાવવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો.
કાર્યક્રમમાં ખૂબ જ હૃદયસ્પર્શી માર્ગદર્શન આપતાં જણાવ્યું કે:
“સાસુ-સસરાની સાચા ભાવથી સેવા કરવી એ જ ભગવાનની સાચી ભક્તિ છે.”
રસોઇના દાતા જરખીયા ના વતની આગેવાન શેઠ મનુભાઇ ગોબરભાઇ કાકડીયા રહેલ. રામવાડી પાર્ટી પ્લોટ ના માલિક રામભાઇ ધડુક દ્વારા દિકરીઓ ના સ્નેહમિલન કાર્યક્રમ માટે નિઃશુલ્ક સગવડ આપેલ,આ તકે વિના મુલ્યે ફાર્મ આપનાર રામભાઇ ધડુક નું સન્માન કરવામાં આવેલ
વર્ષો પછી ગામની બહેન-દીકરીઓ એક જ છત નીચે ભેગી થઈ ત્યારે બાળપણની અસંખ્ય યાદો ફરી તાજી થઈ ગઈ. ગામની ગલીઓ, નિશાળના દિવસો, રમતો, નિર્દોષ મસ્તી, ગામની દુકાનો, વડલો અને સાથે વિતાવેલી દરેક ક્ષણ ફરી જીવંત બની ગઈ.જરખીયા ગામની તમામ બેન દિકરીઓ વિવિધ રમતો,રાસ ગરબા વગેરેનું આયોજન કરવામાં આવેલ.
સમય બદલાયો, જવાબદારીઓ વધી, જીવનની દોડધામમાં સૌ વ્યસ્ત થઈ ગયા, પરંતુ આજે લાગણીના આ મેળાવડાએ વર્ષોનું અંતર પળવારમાં દૂર કરી દીધું. “સખી વૃન્દ”એ દિકરીઓ હિલોળા લેતી હોય તેમ સમગ્ર વાતાવરણ પ્રેમ, લાગણી અને આત્મીયતાથી છલકાઈ રહ્યું હતું.
ગામનું ગૌરવ વધારનાર મનુભાઇ ગોબરભાઇ કાકડિયાને વડીલ ફઈઓ અને બહેનો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા. વર્ષો પછી મળ્યાનો હરખ, લાગણી અને પ્રેમના આંસુઓ સાથે લીધેલા દુખણાંએ સૌને ભાવવિભોર કરી દીધા.આ તકે જરખીયા ગામની તમામ જુની યાદીના સંભારણા વાગોળેલ.
આ કાર્યક્રમ માત્ર સ્નેહમિલન નહોતો, પરંતુ ગામની સંસ્કૃતિ, સંસ્કાર, લાગણી અને પારિવારિક એકતાનું જીવંત દર્શન હતો. “સખી વૃન્દ” આવનારી પેઢીઓને પણ સંબંધોની સુગંધ, સંસ્કારોની સંપત્તિ અને વતન પ્રત્યેના પ્રેમનો સંદેશ આપતો રહેશે.સ્નેહમિલનમા ઉપસ્થિત જરખીયા ગામની દિકરીઓ તરફથી જરખીય ગામમાં જીવદયાપ્રેમી ઓ તરફથી ચાલી રહેલ “રામ રોટી” માં રૂપીયા ૪૧૫૭૦ અર્પણ કરવામાં આવેલ(“રામ રોટી” જેમાં દરરોજ ૨૫ કિલો લોટની રોટલી કુતરાઓ માટે બંને છે)
“ગામ બદલાય, સમય બદલાય, પરંતુ હૃદયમાં વસેલું વતન અને વહાલી બહેન-દીકરીઓનો પ્રેમ ક્યારેય બદલાતો નથી.”
જરખીયા ગામની તમામ બહેનો, દીકરીઓ, ફઈઓ ઉપસ્થિત રહી સ્નેહમિલન ને ચાર ચાંદ લગાવી દીધા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેખા કાકડિયા,નેહા કાકડીયા,સેજલ સમાયા અને રસિલાબેન બરવાળિયા તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.  રિપોર્ટ નટવરલાલ ભાટિયા 

Related Posts