અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા એક્શન મોડમાં: કમોસમી વરસાદ બાદ વોર્ડ નં-૭ માં ગટર સફાઈના શ્રીગણેશ

મુસીબત આવતા પહેલાં જ 

રસ્તો સાફ રાખે છે,

ખરા અર્થમાં એ જ જનતાની 

સાચી માવજત રાખે છે.

​નથી જે રાહ જોતા કે 

ક્યારે આપદા ઉભરી આવશે,

એ જ ખમીરવંતા લોકસેવકો 

સેવાનું ખરેખર નૂર રાખે છે.

–“પાંધી સર” 

​સાવરકુંડલા પંથકમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. વરસાદી પાણીની સાથે વહી આવેલી ધૂળ, રેતી અને કચરો ગટર લાઈનોમાં જામી જતાં આગામી સમયમાં ગટર ઉભરાવાની ભીતિ સેવાઈ રહી હતી. આ જનહિતના પ્રશ્ને સામાજિક કાર્યકર સોહિલ શેખ દ્વારા તંત્રને કરવામાં આવેલી ધારદાર રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને વોર્ડ નં-૭ માં સફાઈ અભિયાન તેજ બનાવ્યું છે.

​‘પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર’ના અભિગમ સાથે કામગીરી

નગરપાલિકા દ્વારા આધુનિક ‘બ્રાઉઝર મશીન’નો ઉપયોગ કરીને ગટરોમાં ઉંડે સુધી જામેલો કાંપ દૂર કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં ફરી વરસાદ કે માવઠાની આગાહી વચ્ચે આ કામગીરીને ‘પ્રિ-અનસિઝન મોન્સૂન’ કામગીરી તરીકે જોવામાં આવી રહી છે. ગટર લાઈનો ચોકઅપ થતી અટકાવવા માટે લેવાયેલું આ આગોતરું પગલું સ્થાનિક રહીશો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સુવિધાઓ અને મશીનરીનો જો સમયસર ઉપયોગ થાય, તો લોકોને ગંદકી અને રોગચાળામાંથી મુક્તિ મળી શકે છે. સોહિલ શેખની આ દીર્ઘદ્રષ્ટિ અને લોકસેવાની તત્પરતાને શહેરના બુદ્ધિજીવી વર્ગે બિરદાવી છે. કોઈપણ આપદા સમયે તંત્રની આવી સજ્જતા લોકોના સ્વાસ્થ્ય અને સુવિધા માટે અનિવાર્ય ગણાય છે.

Related Posts