અમરેલી

સાવરકુંડલામાં GUDC અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીએ યુવાન મજૂરનો બલિ લીધો: ધીમી કામગીરી અને અકસ્માતોથી પ્રજા ત્રાહિમામ

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર ગિરધરવાવ પાસે ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજનું કામ તંત્ર અને એજન્સીની ઘોર બેદરકારીને લીધે ‘ધણીધોરી વગરનું’ બની ગયું છે. G.U.D.C. વિભાગ (ગાંધીનગર) અને બેકબોન કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ (રાજકોટ) દ્વારા ચાલી રહેલા આ નિર્માણ કાર્ય દરમિયાન ગઈકાલે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં માત્ર ૨૨ વર્ષના યુવાન મજૂર બીકાશભાઇ જીતેનભાઈ રોયનું કરૂણ મોત નીપજ્યું છે. જવાબદાર અધિકારીઓ અને એજન્સીની ગંભીર નિષ્કાળજીના કારણે એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવતા તેના પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

સાવરકુંડલામાં આ રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો અત્યંત ત્રાહિમામ પોકારી ગયા છે. યોગ્ય સુરક્ષા કવચ કે વ્યવસ્થા વગર ચાલતી આ કામગીરીને કારણે રોજેરોજ ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાય છે અને અવારનવાર નાના-મોટા અકસ્માતો બને છે.

આ કામગીરીની ધીમી ગતિ અને તેનાથી થતી હાલાકી અંગે સાવરકુંડલા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા ભૂતકાળમાં પણ તંત્રને સત્તાવાર ફરિયાદો કરવામાં આવી હતી. આમ છતાં, તંત્રના પેટનું પાણી હલતું નથી અને કામ હજુ પણ ગોકળગાયની ગતિએ જ ચાલી રહ્યું છે, જે હવે નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યું છે.

​સ્થાનિકોમાં ભારે આક્રોશ

એક તરફ વિશ્વ ઝડપી વિકાસના શિખરો સર કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સાવરકુંડલામાં ચાલતી આવી ભ્રષ્ટ અને ધીમી કામગીરી કેટલા નિર્દોષોનો ભોગ લેશે તેવા તીખા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. માનવજીવન અણમોલ છે અને તેની કોઈ કિંમત હોઈ શકે નહીં. સ્થાનિકો આક્રોશપૂર્વક સવાલ ઉઠાવી રહ્યા છે કે, “જો આવી જ કારમી દુર્ઘટના તંત્રના કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટરના પોતાના સ્વજન સાથે બની હોત, તો પણ શું આ જ રીતે આંખ આડા કાન કરવામાં આવ્યા હોત?”

​મૃતક મજૂરના પરિવારને યોગ્ય વળતર મળે અને આ ઓવરબ્રિજનું કામ ત્વરિત તેમજ યોગ્ય સુરક્ષાના ધોરણો સાથે પૂરું કરવામાં આવે તેવી સમગ્ર સાવરકુંડલા જનતાની ઉગ્ર માંગ છે.

Related Posts