અમરેલી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ખાંભાના ત્રાકુડા મુકામે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અન્વયે ખાસ ગ્રામસભા 

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ખાંભા તાલુકાના ત્રાકુડા મુકામે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અન્વયે ખાસ ગ્રામસભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

ગ્રામસભા દરમિયાન રાજ્યપાલશ્રીએ પ્રેરણાત્મક સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણી ગ્રામ વ્યવસ્થા, ગ્રામ સંસ્કૃતિમાં સહકારની ભાવના અને અનેકતામાં એકતા એ આપણી સૌથી મોટી શક્તિ છે. ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં જાય ત્યાં દુધમાં સાકરની જેમ ભળી જાય છે, સૌને સ્નેહસભર ભાવથી અપનાવીને સૌમાં સરળતાથી ભળી જવું એ ગુજરાત-ગુજરાતીની આગવી ઓળખ છે.

દરેક બાળક સંસ્કાર સાથે શિક્ષિત અને દિક્ષિત બને, ભારતના શ્રેષ્ઠ નાગરિક બને અને નશામુક્ત જીવનશૈલી અપનાવવા ઉપરાંત વૃક્ષ વાવેતર અને પર્યાવરણ જતન, જળ સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ બની કાર્યરત બનવા રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

માણસ – માણસ વચ્ચેના નાના મોટા ભેદભાવ, અમીરી-ગરીબી, ઈર્ષા, દ્વેષ સહિતના ભેદભાવોથી ઉપર ઉઠીને માનવીએ માનવતાને સર્વોચ્ચ સ્થાન આપવું અનિવાર્ય છે. કર્મની પ્રધાનતા, કર્મને જ ધર્મ માની ગુણવત્તાયુક્ત જીવનશૈલી વિકસાવીને માનવીએ જીવનને સમૃદ્ધ બનાવવું જોઇએ તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ સૌના સુખ અને દુઃખમાં સહભાગી બનવાની ભાવના, આવનારી પેઢીને હરિયાળી સુંદર પૃથ્વીની ભેટ આપવી, વૈશ્વિક તાપવૃદ્ધિ અને તેના થકી સંભવિત નુકસાન સહિતની બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે ગ્રામજનોને ભાઈચારાની ભાવના મજબૂત કરવાની પ્રેરણા પણ પૂરી પાડી હતી.

રાજ્યપાલશ્રીએ ‘ત્રાકુડા-પ્રથમ આદર્શ ગ્રામ’ સાથે આદર્શ ગામ અભિયાનનો પ્રારંભ કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં દરેક તાલુકામાં એક આદર્શ ગ્રામ બનાવવાના સંકલ્પ સાથે આગળ વધવાની નેમ છે. જેમાં સૌ સહકારની ભાવનાથી આગળ આવીને સહભાગી બને તે જરૂરી છે.

પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાયનું મહત્વ, ગૌમૂત્ર અને ગાયના છાણનો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં ઉપયોગ, રાસાયણિક કૃષિ થકી થતું નુકસાન, જંતુનાશક દવાઓ અને રાસાયણિક કૃષિની માનવીય આરોગ્ય પરની ગંભીર અસરો સહિતની બાબતે રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે ખેડૂતોને પ્રેરિત કર્યા હતા.

આ તકે શ્રી સ્વામિનારાયણ રાજકોટ સંસ્થાના સર્વ સંતશ્રીઓ, ત્રાકુડા ગામ અગ્રણી ઉદ્યોગપતિ રાકેશભાઈ દુધાત સહ પરિવાર, સરપંચ શ્રી ઘનશ્યામભાઈ દુધાત, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ,  જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, ધારી-ખાંભા પ્રાંત અધિકારીશ્રી અર્પણ ચાવડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાડેજા, ગ્રામ પંચાયત સર્વ સભ્યશ્રીઓ, આગેવાનો, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts