રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલીના ખાંભા તાલુકાના ત્રાકુડા ગામની મુલાકાત દરમિયાન “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવાની સાથે “સ્વચ્છતા” અભિયાનમાં સહભાગી બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાલક્ષી સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવા માટે રાજ્યપાલશ્રીએ રાજ્યના અનેક ગામની મુલાકાત દરમિયાન ‘સ્વચ્છતા અભિયાન’ વિષયક જનજાગૃતિ સંદેશને જનસમૂહ વચ્ચે પ્રસારિત કર્યો છે. રાજ્યપાલશ્રીએ “સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો નિવાસ હોય છે” તે સંદેશને આત્મસાત કરવા અને ‘સ્વચ્છાગ્રહી’ બનવા ત્રાકુડા ગામના નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ તકે રાજ્યપાલશ્રીએ ત્રાકુડા ગામ યુવા સ્વયંમ સેવક ગૃપના સભ્યો સાથે સંવાદ સાધી સૌ ગ્રામજનોને કાયમી ધોરણે સ્વચ્છતા રાખવા પ્રેરણા પૂરી પાડી હતી.
રાજ્યપાલશ્રી ખાંભા તાલુકાના ત્રાકુડા મુકામે શિવ મંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉપરાંત ‘પ્રાકૃતિક કૃષિ સંવાદ સંમેલન’માં સહભાગી થવા માટે આવી પહોંચતા ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે તેમનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે ત્રાકુડા ગામના અગ્રણી ઉદ્યોગકાર શ્રી રાકેશભાઈ દુધાત પરિવાર, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સહિતના મહાનુભાવોએ રાજ્યપાલશ્રીને આવકાર્યા હતા.
ત્રાકુડા ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ‘બોરસલી’ છોડનું રોપણ કરીને પ્રકૃતિ-પર્યાવરણના જતનનો સંદેશ પ્રસરાવ્યો હતો. બોરસલી તેના સુગંધિત ફૂલો, સુશોભન ઉપયોગ, ઔષધીય ગુણધર્મો અને ટકાઉ લાકડા માટે જાણીતું મૂલ્યવાન વૃક્ષ છે. ઉપરાંત આ વૃક્ષ દાંતને મજબૂત કરવા, દંતરોગ નિવારક, ખાંસી અને હ્દયરોગમાં ખૂબ જ ઉપયોગી છે. ત્યારે ‘વૃક્ષ જતન એ જ જીવન જતન’નો વિચાર દરેક નાગરિક અપનાવે અને વૃક્ષોના જતનમાં સહભાગી બને તે અનિવાર્ય છે.


















Recent Comments