મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, અમરેલી દ્વારા અમરેલી ખાતે બાળ શ્રમયોગી પ્રથા નાબુદી અંગે જનજાગૃત્તિ અર્થે સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અમરેલી શહેરની જુદી-જુદી હોટલો અને રેસ્ટોરન્ટના માલિકો, ભાગીદારો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં મદદનીશ શ્રમ આયુક્ત શ્રી એમ.એચ. પરમાર અને જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્ય શ્રી નિકુબેન પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર દરમિયાન શ્રી એમ.એચ. પરમારે બાળ અને તરૂણ મજુર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ની વિવિધ કલમો અને જોગવાઈઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ૦ થી ૧૪ વર્ષના બાળકોને કોઈપણ પ્રકારના કામે રાખવા નહીં, તેમજ ૧૪ થી ૧૮ વર્ષના તરૂણોને જોખમી કામોમાં ન રાખવા. બિનજોખમી કામોમાં રાખવામાં આવતા તરુણોના કિસ્સામાં કાયદાકીય નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. આ કાયદાનો ભંગ કરવો એ ગંભીર ગુનો છે, જેમાં રૂ. ૨૦,૦૦૦ થી રૂ.૧,૦૦,૦૦૦ સુધીનો દંડ અને ૬ મહિનાથી ૨ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તા. ૧૨ જૂનના રોજ ઉજવવામાં આવેલ ‘વિશ્વ બાળ મજુરી વિરોધી દિવસ’ના ભાગરૂપે આયોજિત આ સેમિનારમાં એસોશિયેશનના સભ્યો મારફતે જિલ્લાની તમામ હોટલો, રેસ્ટોરન્ટો, દુકાનો અને સંસ્થાઓના માલિકોને બાળ મજૂરો ન રાખવા અપીલ કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્યશ્રીએ બાળ કલ્યાણ માટે ચાલતી વિવિધ સરકારી યોજનાઓ વિશે તમામને માહિતગાર કર્યા હતા તેમ મદદનીશ શ્રમ આયુક્ત અમરેલીની યાદીમાં જણાવવામાં આવેલ છે.














Recent Comments