અમરેલી

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭ની ૨૪મી કડીનો મંગલ પ્રારંભ

આજથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭ ૨૪મી કડીનો રાજ્યવ્યાપી મંગળ પ્રારંભ થયો છે. આ અંતર્ગત અમરેલી જિલ્લા પ્રભારી સચિવશ્રી સંદિપકુમારે રાંઢીયા પ્રાથમિક શાળા, રિકડીયા પ્રાથમિક શાળા અને નાના આંકડીયા મુકામે બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ ૧ અને ૯માં હર્ષોલ્લાસ સાથે બાળકોને શાળા પ્રવેશ કરાવીને નામાંકન કરાવ્યું હતું.  રાંઢીયા મુકામે આંગણવાડીમાં કુલ ૭ ભૂલકાઓ અને ધોરણ ૧માં ૯ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું છે. સાથે રિકડીયા મુકામે બાલવાટિકામાં ૫ ભૂલકાઓ અને ધોરણ ૧માં ૦૧ બાળકનું નામાંકન થયું છે. જ્યારે નાના આંકડીયા મુકામે બાલવાટિકામાં ૧૮, આંગણવાડીમાં કુલ ૯ અને ધોરણ ૯માં ૨૮ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે પણ બાળકો હસતાં-રમતાં શાળા પ્રવેશ કરી રહ્યા છે. ગુજરાત રાજય સરકારે અદ્યતન સુવિધાઓથી સંપન્ન શાળાઓ બનાવી છે. આ સાથે શિક્ષકો પણ પોતાના બાળકની જેમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉછેર માટે પ્રતિબદ્ધતા સાથે મહેનત કરે છે. આજે ગુજરાતની સરકારી શાળાઓ આધુનિક સુવિધાઓની સાથે કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ સહિતની અદ્યતન શૈક્ષણિક સુવિધાઓથી સજજ છે.

પ્રભારી સચિવશ્રી સંદિપકુમારે જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા મહોત્સવ થકી શાળાઓમાં નામાંકન દર વધ્યો છે. દીકરીઓ ધોરણ ૮ બાદ પોતાનું શિક્ષણ ન છોડે તે જરૂરી છે. વાલીઓ સહિત સૌએ આ માટે સહિયારા પ્રયત્નો કરવા જરૂરી છે. કન્યાઓ ભણી ગણીને આગળ વધીને પોતાના સપનાઓ સાકાર કરી શકે છે અને સમાજને સશક્ત બનાવવા માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે છે. આપણે જોયું છે કે, આ વર્ષે હીટવેવની સમસ્યા ખૂબ વધી છે. પર્યાવરણ પ્રત્યે જાગૃત્ત બનીને દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ કરીને તેનું જતન કરવું અનિવાર્ય બન્યું છે. પ્લાસ્ટિકમુકત ભારતના નિર્માણમાં દરેક વ્યક્તિ યોગદાન આપે તે જરૂરી છે. પ્રભારી સચિવશ્રીએ પ્રવેશ મેળવતા બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે દરેક શાળામાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવો, જળ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત ભારત અને વિજ્ઞાનના યુગમાં આપણી જવાબદારી જેવા વિષયો અન્વયે પોતાના વિચારો વકૃત્વ આપીને અભિવ્યક્ત કર્યાં હતા. સાથે બાળકોને પ્રવેશ વેળાએ મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. પ્રભારી સચિવશ્રીએ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત કરીને નાનકડાં ભૂલકાઓને શિક્ષણમાં પા પા પગલી….કરાવીને વ્હાલ વરસાવી આવકાર્યા હતા. 

રમત ગમત, એન.એમ.એમ.એસ, સી.ઈ.ટી, જ્ઞાન સાધના સ્કોલરશિપ જેવી પરીક્ષાઓ અને શૈક્ષણિક વર્ષ દરમિયાનની સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમને ઈનામો સાથે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. દાતાશ્રીઓની સેવાને બિરદાવીને તેમનું શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો હતો. અંતે સૌએ રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા સાથે શપથ લીધા હતા.  

આ પ્રસંગે તાલુકા પંચાયત હોદ્દેદારો, રાંઢિયા સરપંચ શ્રી વિલાસબેન કાકડીયા અને અગ્રણીશ્રી અરવિંદભાઈ કાકડીયા, રિકડીયા ગામના સરપંચશ્રી નરેશભાઈ વાળા સહિતના સ્થાનિક અગ્રણીશ્રીઓ અને પ્રાથમિક શાળા આચાર્યશ્રી નિલેશભાઈ જોશી, નાના આંકડીયા ગામના સ્થાનિક હોદ્દેદારો, અગ્રણીશ્રીઓ, હાઈસ્કૂલ આચાર્યશ્રી રામ, પ્રાથમિક શાળા આચાર્યશ્રી કુલદીપભાઈ મકવાણા, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સભ્યશ્રીઓ, સહિત શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts