ગુજરાત

ભાજપનો હાથો બનેલા પક્ષપાતી અધિકારીઓએ ભ્રષ્ટાચાર દ્વારા પગાર કરતા વધુ વસાવેલી મિલકતો અને ગેરકાયદેસર વ્યવહારોને ખુલ્લા પાડીને જેલ ભેગા કરાશે : અમિત ચાવડા

•             ભાજપનો હાથો બનેલા પક્ષપાતી અધિકારીઓએ ભ્રષ્ટાચાર દ્વારા પગાર કરતા વધુ વસાવેલી મિલકતો અને ગેરકાયદેસર વ્યવહારોને ખુલ્લા પાડીને જેલ ભેગા કરાશે : શ્રી અમિત ચાવડા

•             પોલીસ અને તંત્રથી પીડિત ગુજરાતના લોકોને સાથે રાખીને ન્યાય માટે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. : શ્રી અમિત ચાવડા

•             પોલીસ પ્રજાની સુરક્ષા માટે છે, ભાજપના રાજકીય હિતો સાધવા માટે નહીં; ખોટા કેસો અને દમનકારી કાર્યવાહીથી કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ડરશે નહીં પણ કાયદાકીય લડત આપશે. : શ્રી અમિત ચાવડા

•             કાયદાનો દુરુપયોગ કરીને રાજકીય દબાણ હેઠળ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને હેરાન-પરેશાન કરવાનો આ પ્રયાસ છે, જેનો કાયદેસર અને બંધારણીય રીતે મક્કમ જવાબ આપવામાં આવશે. : એડવોકેટ હિતેશ ગુપ્તા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એક બાજુ ઈમાનદાર અને ફરજનિષ્ઠ પોલીસ અધિકારીઓ કાર્યરત છે, જ્યારે બીજી બાજુ કેટલાક ભ્રષ્ટ અને ચાપલૂસ અધિકારીઓ સરકારના હાથા બની ભાજપના કાર્યકર તરીકે વર્તી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોને ડરાવવા, દબાવવા, ફોર્મ પાછાં ખેંચાવવા દબાણ કરવું, મતદાનને પ્રભાવિત કરવાના પ્રયાસો કરવા અને કોંગ્રેસના ઉમેદવારો તથા કાર્યકરોને પોલીસ-પ્રશાસન મારફતે હેરાન કરવામાં આવેલા અનેક દાખલા સમગ્ર ગુજરાતે જોયા છે.

સુરત, દાહોદ, ડભોઈ અને વડોદરા સહિત અનેક વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો પર ખોટા કેસો નોંધાવી ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ થયો હતો. વડોદરામાં કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર શ્રી આશિષ જોશી વિરુદ્ધ મતદાનના માત્ર બે દિવસ પહેલાં કોઈપણ પુરાવા વિના FIR નોંધાવી દબાણ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિસ્તારમાં દારૂ પકડાવાની ઘટનામાં કોંગ્રેસના કોર્પોરેટર શ્રી આશિષ જોશીનું નામ રાજકીય દબાણ હેઠળ ખોટી રીતે જોડવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આવા કેસોમાં પોલીસ પુરાવા જાહેર કરતી હોય છે, પરંતુ આ કેસમાં એવું કશું થયું નથી. આશિષ જોશીએ ખુદ નાર્કો ટેસ્ટ સહિતની કોઈપણ તપાસ માટે તૈયારી દર્શાવી હોવા છતાં, તેમની ધરપકડ કરી ૧૧૧ની કલમો ઉમેરી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા, જ્યારે મૂળ આરોપીને સરળતાથી જામીન મળી ગયા. બનાસકાંઠામાં દારૂના મોટા જથ્થાના પરિવહનનો વીડિયો હોવા છતાં કાર્યવાહી ન થવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્યોને દ્વારકામાં મધરાતે હોટલના રૂમોમાં ઘૂસી મહિલાઓ સાથે ગેરવર્તન કરી ખોટા કેસમાં ફસાવવાના બનાવને તેમણે ગંભીર ગણાવ્યો હતો. અમદાવાદ જિલ્લાના બાવળામાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને વારંવાર ખોટા કેસો અને PASAની ધમકીઓ આપી ભાજપમાં જોડાવા દબાણ કરવામાં આવતું હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, હોમ સેક્રેટરી અને DGPને પણ કહેવાનું કે, પોલીસ અને પ્રશાસન લોકોની સુરક્ષા માટે છે, ભાજપના રાજકીય હિતો સાધવા માટે નહીં જે અધિકારીઓ કાયદાથી ઉપરવટ જઈને ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે, તેમની આવકથી અનેકગણી સંપત્તિઓ અને ગેરકાયદેસર વ્યવહારોની તપાસ કરાવવામાં આવશે.

કોંગ્રેસ આ મુદ્દે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડત લડશે અને ખોટા પુરાવા ઊભા કરનાર દરેક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

પોલીસ અને તંત્રથી પીડિત ગુજરાતના લોકોને સાથે રાખીને ન્યાય માટે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. તેમજ રાજ્યપાલ સમક્ષ પણ આવા ભ્રષ્ટ અને ફરજવિમુખ અધિકારીઓને ખુલ્લા પાડવામાં આવશે.

અંતમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં લોકશાહી અને કાયદાનું શાસન છે. કોઈપણ અધિકારી જો પક્ષપાતી બની કાયદાથી ઉપરવટ જઈને કામ કરશે તો તેને પ્રજાને જવાબ આપવો જ પડશે. હવે આવા અધિકારીઓને “રૂક જાઓ” કહેવાનો સમય આવી ગયો છે.

એડવોકેટ શ્રી હિતેશભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો દારૂનો કેસ સંપૂર્ણપણે પાયાવિહોણો અને રાજકીય અદાવતથી પ્રેરિત છે. કેસના મુખ્ય આરોપી પ્રમોદ પાંડેએ કોર્ટ સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે દારૂ તેણે પોતાના અંગત પ્રસંગ માટે મંગાવ્યો હતો અને તે આશિષ જોશીને ઓળખતો પણ નથી. પોતાની નિર્દોષતા સાબિત કરવા આશિષ જોશીએ નાર્કો ટેસ્ટ માટે લેખિત તૈયારી દર્શાવી હોવા છતાં પોલીસે તેની કોઈ તપાસ કરી નથી અને આ પાયાવિહોણી FIRને રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી છે.

સંખેડા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીઓની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે સમગ્ર તપાસ પ્રક્રિયા અત્યંત શંકાસ્પદ છે અને તેમાં નિષ્પક્ષતાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાયદાનો દુરુપયોગ કરીને રાજકીય દબાણ હેઠળ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને હેરાન-પરેશાન કરવાનો આ પ્રયાસ છે, જેનો કાયદેસર અને બંધારણીય રીતે મક્કમ જવાબ આપવામાં આવશે.

પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તથા વડોદરા પ્રભારી શ્રી બિમલ શાહ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિક જોશી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડિનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts