ગુજરાતના બાળકોમાં રહેલી નવસર્જનની શક્તિને પ્રોત્સાહન આપવા અને તેમના વિચારોને બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property) તરીકે વિકસાવવાના હેતુથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી (CRU) દ્વારા ‘કિડનોવેશન’ (Kidnovation) નામનો અનોખો પ્રોજેક્ટ આજથી (23 જૂન) શરૂ કરવામાં આવી રહ્યો છે. આજે શિક્ષણવિદ ગિજુભાઈ બધેકાની 87મી પુણ્યતિથિ પણ છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના દિશાનિર્દેશોને અનુરૂપ આ પહેલ બાળકોમાં સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને અનુભવ આધારિત શિક્ષણને પ્રોત્સાહિત કરશે. પ્રોજેક્ટનો મુખ્ય હેતુ બાળકોના નવતર વિચારોને વ્યવસ્થિત રીતે દસ્તાવેજીકૃત કરીને તેમને પેટન્ટના સ્વરૂપમાં પરિવર્તિત કરવાનો છે.
“આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ગુજરાતમાંથી આશરે 100 પ્રતિભાશાળી બાળકોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલા બાળકોને પ્રોટોટાઇપિંગ, ડિઝાઇન અને ઇનોવેશન અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે. તેમના સર્જનાત્મક વિચારોનું મૂલ્યાંકન કર્યા બાદ 20થી 30 નવતર વિચારો માટે ભારતીય પેટન્ટ કચેરીમાં પ્રોવિઝનલ પેટન્ટ ફાઇલ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે પેટન્ટની 100 ટકા માલિકી બાળકોના નામે જ રહેશે,’’ ડો. ટી.એસ. જોશી, વાઇસ-ચાન્સલર, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીએ જણાવ્યું.
“પ્રોજેક્ટ દરમિયાન તમામ 100 બાળકોની ઇનોવેશન યાત્રાનું દસ્તાવેજીકરણ કરીને ‘કિડનોવેશન લોગ’ તૈયાર કરવામાં આવશે, જેને ગુરુપેડિયા પ્લેટફોર્મ પર કાયમી આર્કાઇવ તરીકે ઉપલબ્ધ કરાશે. ઉપરાંત, પ્રાથમિક શિક્ષણમાં બૌદ્ધિક સંપત્તિ વિકાસ માટે એક નીતિ આધારિત વ્હાઇટ પેપર પણ તૈયાર કરીને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવશે,’’ નિલેશ પંડ્યાં (નિયામક, પ્રશિક્ષણ કેન્દ્ર, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી)એ જણાવ્યું.
રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં શિક્ષણમાં ભારતીય જ્ઞાન પરંપરા અને સર્જનાત્મક્તા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.
પ્રોજેક્ટનો સમયગાળો 23 જૂનથી 15 નવેમ્બર, 2026 સુધીનો રહેશે. જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન આઈડિયા સ્કાઉટિંગ અને માર્ગદર્શન કાર્યક્રમો યોજાશે, જ્યારે સપ્ટેમ્બરમાં નવીન વિચારોનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને ફિલ્ટરિંગ કરવામાં આવશે. 15 અને 16 ઓક્ટોબરે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના જન્મદિવસ નિમિત્તે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં બે દિવસીય રેસિડેન્શિયલ પ્રોટોટાઇપિંગ બૂટ કેમ્પ યોજાશે, જેમાં આશરે 50 બાળકો ભાગ લેશે.
પ્રોજેક્ટના અમલીકરણમાં વિવિધ સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે. આ સંસ્થાઓ પેટન્ટ ડ્રાફ્ટિંગ, પ્રોટોટાઇપિંગ, ઇનોવેશન સ્ક્રિનિંગ, શિક્ષક સંકલન અને દસ્તાવેજીકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ ‘કિડનોવેશન’ પ્રોજેક્ટ ગુજરાતમાં બાળ ઇનોવેશનની નવી સંસ્કૃતિ વિકસાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે. આ પહેલ દ્વારા રાજ્યના બાળકો માત્ર વિચારો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ પોતાના નવતર વિચારોને વૈજ્ઞાનિક અને કાનૂની માન્યતા અપાવીને ભાવિ ઇનોવેટર તરીકે ઉભરી શકશે














Recent Comments