નથી હોતી અમીરી માત્ર
સોના-ચાંદીના સિક્કાઓમાં,
કચરો વીણતી એ નારીના દિલમાં મેં ખજાના જોયા છે.
પોતે ભૂખી રહીને જેણે શ્વાનોને બિસ્કિટ વહેંચ્યા,
માનવતાના સાચા શણગાર ઉમટતા એના મનમાં મેં જોયા છે.
–“પાંધી સર”
કહેવાય છે કે ‘પૈસા ગજવામાં નહીં, પણ દિલમાં હોવા જોઈએ.’ આ વાતને સાવરકુંડલાની એક અનામી મહિલાએ સાબિત કરી બતાવી છે. શહેરના હાથસણી રોડ પર આવેલી આંખની હોસ્પિટલના વિશાળ મેદાનમાં ગતરોજ વહેલી સવારે એક એવી ઘટના બની જેણે માનવતા અને જીવદયાનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
પ્રતિદિનની માફક વહેલી સવારે જ્યારે પત્રકાર બિપીનભાઈ પાંધી મોર્નિંગ વોક માટે હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ગયા હતા, ત્યારે તેમની નજર એક ‘રગ પીકર્સ’ (કચરો વીણનાર) મહિલા પર પડી. ખભે પ્લાસ્ટિક અને બિનઉપયોગી વસ્તુઓનો થેલો લટકાવીને પોતાનું ગુજરાન ચલાવતી આ મહિલા પોતે કદાચ આર્થિક રીતે ગરીબ હશે, પરંતુ તેનું મન દરિયા જેવું વિશાળ જોવા મળ્યું. તે મહિલા પોતાની આસપાસ વીંટળાયેલા ચાર-પાંચ શ્વાનોને અત્યંત પ્રેમથી બિસ્કિટ ખવરાવી રહી હતી.
પોતાના પેટનો ખાડો પૂરવા માટે આખો દિવસ મહેનત કરનાર આ મહિલાના ચહેરા પર શ્વાનોને જમાડતી વખતે જે સંતોષ હતો, તે કોઈ અબજોપતિના ચહેરા પર પણ જોવા નથી મળતો. પત્રકાર બિપીનભાઈ જણાવે છે કે, આ દ્રશ્ય એટલું ભાવવિભોર હતું કે કેમેરો ક્લિક કરવાનું પણ ભુલાઈ ગયું અને તે છબી હૃદયમાં કાયમી માટે કોતરાઈ ગઈ.
આંખની હોસ્પિટલનું આ મેદાન સવારે ચાલવા આવતા લોકો, રમનાર યુવાનો અને પક્ષીઓને ચણ નાખનાર જીવદયા પ્રેમીઓ માટે આશીર્વાદરૂપ છે. જો કે, જે હોસ્પિટલ એક સમયે ધમધમતી હતી તે અત્યારે મૃત્યુશૈયા પર હોય તેમ નિષ્ક્રિય જણાય છે. લોકમુખે ચર્ચા છે કે આવી વિશાળ અને સરકારી ફાળવણીવાળી જમીન પર જો અદ્યતન પુસ્તકાલય જેવી સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવે, તો શહેરના જ્ઞાન પિપાસુઓને મોટો લાભ મળી શકે તેમ છે.
https://meet.google.com/call?authuser=0&hl=en&mc=KAIwAZoBFDoScGludG9fOW5hNTFqZjc2NW5vogE7GgIQADICUAA6AhABSgQIARABWgIIAGoCCAFyAggBegIIAogBAZIBAhABmgEEGAEgAKIBAhAA4gECCACyAQcYAyAAKgEwwgECIAHYAQE&origin=https%3A%2F%2Fmail.google.com&iilm=1777632668986


















Recent Comments