ઈ કોમર્સ બ્રાન્ડ એમેઝોન લોકોની જાસૂસી કરે છે: યુએસ સાંસદ

એમેઝોન પોતાની એલેક્સા, કિંડલ, ઇ-રીડર જેવા ડિવાઇસના માધ્યમથી અને ઓડિબલ, વીડિયો અને મ્યુઝિક પ્લેટફોર્મના માધ્યમથી ગ્રાહકોનો મોટાભાગનો ડેટા જમા કરે છે. એલેક્સા સાથે જાેડાયેલી ડિવાઇસની મદદથી ઘરની અંદરની તમામ ગતિવિધિઓ અને વાતચીતનું રેકોર્ડિંગ થાય છે અને બહાર ફીટ કરવામાં આવેલા કેમેરાની મદદથી આવનારા અને જનારા લોકોનું રેકોર્ડિંગ થાય છે. આ માહિતીના આધારે એમેઝોન કંપની તમારૂં કદ-કાઠી, વજન, જાતિ, રંગ, પસંદ-નાપસંદ, રાજકીય વલણ અને ઝુકાવ જેવી તમામ બાબતોનું ખુબ જ સરળતાથી અનુમાન લગાવી શકે છે. કંપનીની આ હરકત સામે જ્યારે વિરોધનો વંટોળ ઉભો થયો ત્યારે કંપનીને પોતાનો લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે પોતાના ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવાને વધુ સારી બનાવવા અને ગ્રાહકની પસંદગી અનુસારના માલ-સામાનને ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ ડેટા જમા રાખવામાં આવે છે.સામાન્ય રીતે ઇન્ટરનેટ ઉપર લોકો ડેટા લીક થવા બાબતે અને પ્રાઇવસી અંગે ચિંતિત હોય છે, પંરતુ ઇ-કોમર્સ કંપની એમેઝોન વિશે તાજેતરમાં જે ખુલાસો થયો છે તેના કારમે લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. વાસ્તવમાં વિશ્વની મહાકાય ગણાતી ઇ-કોમર્સ કંપની એમેઝોન પોતાના તમામ ગ્રાહકોનો ડેટા સાચવીને પોતાની પાસે રાખે છે. જાે કે તેમાં કેવી કેવી માહિતી રેકોર્ડ થાય છે તે જાણીને લોકો દંગ રહી ગયા હતા. આ કંપનીને એ પણ ખબર છે કે તમે કોને કોને મળ્યા હતા અને તેઓની સાથે શું વાત કરી હતી. અમેરિકાના વર્જિનિયાના સાંસદ ઇબ્રાહિમ સમીરાને એટલી તો જાણ હતી કે એમેઝોન તેમની ખાનગી માહિતી પોતાની પાસે રાખે છે, પરંતુ કંપની તેમના વિશે કેવી કેવી અને કઇ કઇ માહિતી સાચવીને રાખે છે એવી જ્યારે તેમને ખબર પડી ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ઇબ્રાહિમના ફોનમાં રહેલા ૧૦૦૦ જેટલા કોન્ટેક્ટ નંબર એમેઝોનની પાસે આવી ગયા હતા. કંપનીને એ પણ સારી રીતે ખબર છે કે ઇબ્રાહિમ સમીરાએ ગત વર્ષે ૧૭ ડિસેમ્બરના રોજ કુરાને શરીફનો કયો ભાગ સાંભળ્યો હતો. ઇબ્રાહિમે ઇન્ટરનેટ ઉપર જે જે વસ્તુ અને વિષયોને સર્ચ કર્યા હતા તે તમામ બાબતોની માહિતી એમેઝોન પાસે મોજુદ હતી. ઇબ્રાહિમ સર્ચના જે વિષયોને પ્રાઇવેટ ગણે છે તે વિષયની માહિતી પણ એમેઝોન પાસે પહોંચી ગઇ હતી. વર્જિનિયા હાઉસ ઓફ ડેલિગેટ્સના સભ્ય ઇબ્રાહિમ પ્રશ્ન પૂછે છે કે આ કંપની માલ-સામાન વેચે છે કે પછી લોકોની જાસૂસી કરવાનું કામ કરે છે. અમેરિકામાં તાજેતરમાં પસાર કરવામાં આવેલા એક નિયમ અનુસાર કોઇપણ ગ્રાહક કંપનીને પૂછી શકે છે કે તેણે ગ્રાહકની કઇ કઇ માહિતી જમા રાખી છે. રોયટર સમાચાર સંસ્થાની સલાહ માનીને ઇબ્રાહિમે પણ કંપનીને પૂછ્યું હતું કે તેણે તેમની કઇ કઇ માહિતી જમા રાખી છે.
Recent Comments