અમરેલી

અમરેલી જિલ્લામાં તા. ૧૪ જૂને યોજાશે “વિકસિત ભારત સંકલ્પ સંમેલન” અને “પ્રગતિપથ યાત્રા”, પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના વિકાસ કાર્યોનું પ્રદર્શન અને જનજાગૃતિ માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં સેવા, સુશાસન અને જનકલ્યાણના ૧૨  વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં આયોજિત “વિકસિત ભારત – વિકસિત ગુજરાત” સંકલ્પ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં તા. ૧૪  જૂન, ૨૦૨૬ ના રોજ “વિકસિત ભારત સંકલ્પ સંમેલન” અને “પ્રગતિપથ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને કૃષિ, પશુપાલન, સહકાર તથા પ્રોટોકોલ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાશે.

કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા અને કાયદો વિભાગના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલીના સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દક્ષાબેન ચોડવડિયા, ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લાના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અમરેલીના શાંતાબા ઓડિટોરિયમ ખાતે બપોરે ૩.૦૦ કલાકથી  “વિકસિત ભારત સંકલ્પ સંમેલન” (પ્રબુદ્ધ નાગરિક સંમેલન) યોજાશે. સંમેલનમાં વિકાસના ૧૨  વર્ષની યાત્રા, જનકલ્યાણકારી યોજનાઓની સિદ્ધિઓ તથા વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસલક્ષી પ્રકલ્પો, આધુનિક સુવિધાઓ અને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી જનસામાન્ય સુધી પહોંચાડવા માટે “પ્રગતિપથ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લેવામાં આવશે.  

આ યાત્રા કલાપી મ્યુઝિયમ / ભવાની ગાર્ડન, લાઠી, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સંકુલ, લાલાવદર, અમરેલી રેલવે સ્ટેશન, રાજમહેલ પેલેસ અને ટાવર, સરકારશ્રીની સિદ્ધિઓની પ્રદર્શની, સિનિયર સિટિઝન પાર્ક,આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ધરાવતું માર્કેટિંગ યાર્ડ અને વિરાટ શેડ (APMC), અટલ સરોવર (ગ્રીન સ્પેસ ડેવલપમેન્ટ વિથ અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટ), સાવરકુંડલા, આંબરડી સફારી પાર્ક, ધારી ખાતે પૂર્ણ થશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકો, યુવાનો, પ્રબુદ્ધ નાગરિકો, જનપ્રતિનિધિશ્રીઓ તથા વિવિધ ક્ષેત્રના આગેવાનોને આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી વિકાસયાત્રાના સાક્ષી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts