મુખ્યમંત્રી રૂપાણી આગામી ૪ જાન્યુઆરીએ ડાંગના પ્રવાસે જાય તેવી શક્યતા

જિલ્લા કલેક્ટરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સ્વાગત માટે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે જિલ્લાના સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યક્રમને સફળ બનાવવાની ડાંગ કલેકટર એન. કે. ડામોરે સૂચના આપી છે. સંભવતઃ આગામી ૪ જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવશે. તેઓ અહીં ડાંગ જિલ્લાના પાણી પૂરવઠા બોર્ડ સહિત અનેકવિધ વિભાગોના વિકાસ કામોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
આહવા નજીક લશ્કરિયા ખાતે યોજાનારા આ કાર્યક્રમ સાથે સંકળાયેલા જુદા જુદા વિભાગોના અધિકારીઓને કાર્યક્રમ સંબંધિત માર્ગદર્શન આપતા કલેકટરે લોકાર્પણ-ખાતમુહૂર્તના કામોની સંપૂર્ણ વિગતો સહિત મિનીટ ટૂ મિનીટ કાર્યક્રમને આખરી કરવા ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન સહિત ઉપસ્થિત રહેનારા રાજ્યના પ્રધાનો, સચિવ સહિતના ઉચ્ચાધિકારીઓ વિગેરે માટે હાથ ધરવાની થતી આનુષાંગિક કામગીરી બાબતે કલેક્ટરે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ અંગે આગલા દિવસે રિહર્સલ યોજવા સહિત, સાંપ્રત “કોરોના” ની સ્થિતિ અને તેના માર્ગદર્શક સૂચનો મુજબ મહાનુભાવો, ઉપસ્થિત રહેનારા લોકો વિગેરેની આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવાની પણ સૂચના આપી હતી.
બેઠકમા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાએ પણ ઉપયોગી સૂચનો રજૂ કરી કર્યા હતા. કાર્યક્રમને નિર્વિઘ્ને સંપન્ન કરવા સંબંધિત વિગતો રજૂ કરી હતી. નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે પણ ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોરે મુખ્યપ્રધાનના કાર્યક્રમ સંબંધિત મુદ્દાવાર હાથ ધરવાની કાર્યવાહીની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી હતી.
Recent Comments