અમરેલી

સાવરકુંડલાના વોર્ડ નંબર-૩ માં વર્ષો પછી નવો સૂર્યોદય: ભવ્ય ગટર લાઇનનું ખાતમુહૂર્ત સંપન્ન.

સાવરકુંડલા શહેરના વિકાસ પથ પર વધુ એક મહત્વનું કદમ માંડતા, સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં વર્ષોની લાંબી પ્રતીક્ષા બાદ ગટર લાઇનના કામનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પીપરવાડી વિસ્તારમાં આજે સાંજે ૫:૩૦ કલાકે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં આ જનહિતના કાર્યનો વિધિવત પ્રારંભ થયો હતો.

​આ પ્રસંગે વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા તેમજ નગરપાલિકાના પ્રમુખ નયનાબેન કાપડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ઉપપ્રમુખ નૂતનબેન, અગ્રણી જીગ્નેશભાઈ ટાક, નગરપાલિકાના તમામ સદસ્યો અને શહેર સંગઠનના હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમને દીપાવ્યો હતો.

​સ્થાનિક રહીશોએ વર્ષો પછી પોતાના વિસ્તારની આ મુખ્ય સમસ્યાનો ઉકેલ આવતા વહીવટી તંત્ર અને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યશ્રી અને પ્રમુખશ્રીએ આગામી સમયમાં પણ સાવરકુંડલાના ખૂણે-ખૂણા સુધી વિકાસના કાર્યો ઝડપભેર પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી

Related Posts