રાણસીકી મુકામે પૂ.પાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની ચતુર્થ નિર્વાણતિથિ તેમજ રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન

મહાપુરુષો શરીર વડે નહિ, પોતાનાં મહાન કાર્યો વડે સદાય જનમાનસમાં જીવંત રહેતા હોય છે. સંતોના જીવનનો આદર્શ અનેકો જીવોનાં જીવનની દિશા બદલી નાખે છે. પૂજ્યપાદ સ્વામીશ્રી નિર્દોષાનંદજી મહારાજ વર્તમાન કળિકાળનાં ઋષિ, શ્રેષ્ઠ શિવયોગી, માનવતાવાદી, સંન્યાસ ધર્મનાં સિદ્ધાંતોને ચુસ્તપણે અનુસરનાર, તપસ્વી મહાપુરુષ હતા. તેઓશ્રીએ પરિવ્રાજકપણે સૌરાષ્ટ પ્રાંતનાં ખૂણે-ખૂણે પદયાત્રા દ્વારા પરિભ્રમણ કર્યું, પાંચ ઘરેથી ભિક્ષાવૃતિ દ્વારા કરપાત્રમાં જ ભોજન ગ્રહણ કરી દેહનિર્વાહ કર્યો, સ્ત્રી અને ધનનો સંપૂર્ણ ત્યાગ કરી વિરક્ત, ત્યાગી, પરમહંસ જીવન વ્યતીત કર્યું, સત્સંગ, શિવપૂજન, આશ્રમોનાં નિર્માણ દ્વારા જનમાનસમાં ધર્મજાગૃતિ, કર્તવ્યપાલનની પ્રેરણા, દેશસેવા, ગૌસેવા, વ્યસનમુક્તિ, દર્દીનારાયણની સેવાનાં સંસ્કારોનું સિંચન કર્યું. મહામૃત્યુંજય મંત્રનાં જપ-અનુષ્ઠાન વડે શિવઆરાધનાનાં માધ્યમથી સાંસારિક દુઃખોની નિવૃત્તિ અને આત્મકલ્યાણની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો અને પોતાની અંતિમ ઉંમરમાં દર્દીનારાયણની સેવાનું મહાન કાર્ય સતત થયા કરે તેવા શુભાશયથી ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનાં ટીંબી ગામે અદ્યતન ટેક્નોલોજીવાળી 100 બેડની હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું. જેમાં દર્દીનારાયણ ની તદ્દન વિનામૂલ્યે તપાસ, લેબોરેટરી,એક્સ-રે, સારવાર,ઓપરેશન, દવા, ભોજનપ્રસાદ વગેરે સેવાઓ કાર્યરત છે.હોસ્પિટલમાં આવનાર દર્દીને ખીસામાં હાથ જ નાખવો ન પડે, બધું જ ફ્રી-ઓફ ચાર્જ પ્રાપ્ત થાય છે. હોસ્પિટલમાં કેશ- કાઉન્ટર જ નથી.હજારો ઉદારદિલ દાતાઓ આ સેવાકાર્યમાં સહભાગી બની પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરી રહ્યા છે. દવા સાથે દુઆ અને અન્ન સાથે આશીર્વાદ મેળવી લખો દર્દીનારાયણો આજ સુધીમાં નિરામય જીવન પ્રાપ્ત કરી ચૂક્યા છે. આવા યુગદ્રષ્ટા મહામાનવ પૂ.પાદ સ્વામીશ્રી નિર્દોષાનંદજી મહારાજની ચતુર્થ નિર્વાણતિથી મહોત્સવ આગામી તા.07-12-2021ને મંગળવારનાં રોજ ગોંડલ તાલુકાનાં રાણસીકી ગામે ઉજવવાનું આયોજન સ્વામીજીનાં સેવક સમુદાય દ્વારા કરવામાં આવેલ છે. આ શુભ દિવસે ગુરુવંદના, સ્વામીજીની પ્રતિમાની પૂજનવિધિ, સ્વામીશ્રી ભોલાનંદજી અને સ્વામીશ્રી સદાનંદજીનાં પ્રાસંગિક આશીર્વચનો, મહાનુભવોનાં વક્તવ્યો,સર્વે મહેમાનોને, ગ્રામજનો- સત્સંગીઓને ભોજન-પ્રસાદ વગેરે કાર્યક્રમો થશે. આ પ્રસંગનાં અનુસંધાને ટીંબી હોસ્પિટલનાં લાભાર્થે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં રક્તદાન કરવા માટે તંદુરસ્ત, સશક્ત યુવા રક્તદાતાઓને સ્વામીશ્રી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ- રાણસીકી ભાવપૂર્વક આમંત્રિત કરે છે. માટે આ ધર્મ-ભક્તિ અને માનવસેવાની ત્રિવેણી જેવાં મહોત્સવમાં પધારવા સર્વે ધર્મપ્રેમી જનતા-જનાર્દનને સહૃદય આમંત્રણ છે.શુભસ્થળ :- સ્વામી શ્રી નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમ. મુ.રાણસીકી, તા.ગોંડલ,જિ.રાજકોટ.સમય :- તા.07-12-2021 ને મંગળવાર. સવારે 9.00 થી 2.00આ સમગ્ર મહોત્સવનું યૂટ્યૂબમાં Jan Jagruti Trust અને કર્તવ્ય ટીવી ચેનલના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે જેના દ્વારા ધર્મપ્રેમીઓને ઘરે બેઠાં પણ આ મહોત્સવની ત્રિવેણીમાં માનસ ડુબકી લગાવવાનો અવસર મળશે તેમ આશ્રમ સત્સંગી અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
Recent Comments