રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વલસાડ જિલ્લાની બે દિવસ મુલાકાત દરમિયાન ગામની સરકારી શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.
શાળા ખાતે ખુશનુમા વાતાવરણમાં વહેલી સવારે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
તેમણે યોગ એ ભારતની પ્રાચીન વિરાસત હોવાનું જણાવી યોગ અને પ્રાણાયામને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.
નિર્ધારિત કાર્યક્રમ અનુસાર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ દેહરી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઇ સાવેના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી, અહીં તેમણે જાતે ગૌ દોહન કર્યુ હતું તથા હળ પણ ચલાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ ફાર્મની મુલાકાત દરમિયાન ઉપસ્થિત ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ વિષયક વાર્તાલાપ પણ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ કલ્પવૃક્ષ ફાર્મની મુલાકાત દરમિયાન ખેડૂતોને જણાવ્યું હતું કે, આ ધરતી જ ખેડૂતોનું મંદિર છે. સુક્ષ્મ જીવાણું પ્રાકૃતિક ખેતીનો આધાર છે. તે જેટલા વધારે હશે, તેટલી જમીન ફળદ્રુપ બનશે. આ ફાર્મની માટીમાં ઓર્ગેનિક કાર્બન ખૂબ છે. જેથી નવા વૃક્ષોની વૃદ્ધિ ખૂબ ઝડપથી થાય છે. પશુ, પક્ષીઓ, જીવાણું અને મનુષ્યોનું જીવન પ્રાકૃતિક ખેતીથી સુધરશે. મંદિરમાં જે શ્રદ્ધાભાવથી જઈએ છીએ તે જ ભાવથી પ્રાકૃતિક ખેતી કરીએ તો કેટલાય પરિવારોને બચાવી શકાશે. તેમણે આવા મોડેલ ગુજરાતભરમાં બનાવવા પર ભાર મૂક્યો હતો. ફાર્મની મુલાકાત દરમિયાન ફાર્મના ખેડૂત નરેશભાઈ સાવેએ ફાર્મની માહિતી પૂરી પાડી હતી. કલેકટરશ્રી પણ ફાર્મ મુલાકાતમાં જોડાયા હતા.
આ ફાર્મની મુલાકાત વેળા પ્રાકૃતિક ખેતી કરતા અન્ય ખેડૂતોએ રાજ્યપાલશ્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. ગામના સરપંચશ્રી ધનેશભાઈ, ઉપસરપંચ શ્રી ઉમેશભાઈ પણ જોડાયા હતા.





















Recent Comments