દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં જનકલ્યાણને કેન્દ્રસ્થાને રાખી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અમરેલી જિલ્લામાં તા. ૦૫ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન લોકભાગીદારી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોની હારમાળા યોજાશે. આ કાર્યક્રમો દ્વારા વિકાસ અને સુશાસનની ગાથા લોકો સુધી પહોંચાડવાની સાથે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ કડીના ભાગરૂપે રાજ્યવ્યાપી પર્યાવરણ દિવસની ઉજવણી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત અમરેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ‘એક પેડ માઁ કે નામ 3.0’ અભિયાન હેઠળ સ્થાનિક ગ્રામ પંચાયતો અને સદ્દભાવના ટ્રસ્ટના સહિયારા પ્રયત્ન થકી વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા.
ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ સણોસરા, મોટા માંડવડા, કુંકાવાવ મોટી, વડીયા, પીપળલગ, ચિત્તલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને ‘એક પેડ માઁ કે નામ 3.0’નો પ્રાંરભ કરાવ્યો હતો અને પર્યાવરણ પ્રત્યે જનજાગૃત્તિ વધે તે માટે દરેક પરિવાર, પરિવારદીઠ પાંચ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરી ઉછેર કરે તે સંદેશને પ્રસરાવ્યો હતો.
રાજ્યમંત્રીશ્રીએ સણોસરા મુકામે વૃક્ષારોપણની સાથે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં અંદાજે રૂ. ૩૦ લાખથી વધુના ખર્ચે વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવશે, જેના થકી જનસુવિધામાં વધારો થશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિચારને બેક ટુ બેઝિકથી આગળ ધપાવવા રોજીંદા જીવનમાં પર્યાવરણ આધારિત જીવન શૈલી અપનાવવી જરૂરી છે. આજે સૌથી મોટી સમસ્યાઓ પૈકીની એક સમસ્યા વૈશ્વિક તાપવૃદ્ધિની છે. વધુમાં વધુ વૃક્ષારોપણ થકી પર્યાવરણને વધુ સુરક્ષિત બનાવી શકાય છે.
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ કુંકાવાવ મોટી ખાતે પર્યાવરણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જણાવ્યું કે, સમગ્ર અમરેલી વિધાનસભા વિસ્તારમાં ૫૧ હજાર વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળું અમરેલી બનાવવાની નેમ સાકાર કરવાનું લક્ષ્યાંક છે. રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, દરેક ગામદીઠ ૨૫ ગામોમાં ૨-૨ હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું અને તેનો ઉછેર કરવાનું લક્ષ્યાંક છે. સાથે અમરેલી શહેરમાં પણ ૧ હજાર વૃક્ષનું વાવેતર કરવાનું લક્ષ્યાંક છે. પર્યાવરણનું સંરક્ષણ કરવાની સાથે વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરી વૃક્ષનો ઉછેર કરવો એ આપણી સૌની નૈતિક જવાબદારી છે.
ઉલ્લેખનીય છે કે, લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા વધે તે હેતુથી તા. ૫મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી પર્યાવરણને બચાવવા તેમજ તેને વધારવામાં વ્યક્તિઓ, સમુદાયો દ્વારા ચોક્કસ અભિપ્રાય અને જવાબદાર વર્તન માટેનો આધાર પ્રદાન કરવાની તક પૂરી પાડે છે. આ દિવસ પ્રકૃતિ અને પૃથ્વીના રક્ષણ માટે સકારાત્મક પર્યાવરણીય પગલાં લેવા માટે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે પણ ઉજવવામાં આવે છે.
અમરેલી સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હોદ્દેદારશ્રીઓ, ગ્રામ પંચાયત સરપંચશ્રી અને સભ્યશ્રીઓ. સ્થાનિક આગેવાનો સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments