નવસારી-વિજલપોર પાલિકાના હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર-૧૩મા સી.આર.પાટીલ સંકુલમાં આવેલી બિલ્ડીંગની ઓવરહેડ પાણીની ટાંકી જમીનદોસ્ત થતા આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. નવસારી ફાયર બ્રિગેડની ટીમ અને નવસારી-વિજલપોર પાલિકાના ચીફ ઓફિસર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે બિલ્ડીંગ ખાલી કરાવવાની તજવીજ હાથ ધરી હતી.
નવસારી-વિજલપોર પાલિકાના વોર્ડ નંબર-૧૩મા આવેલા સી.આર પાટીલ સંકુલમાં બુધવારે મોડી સાંજે ૨૧ વર્ષ જૂની પીવીસી પાણીની ટાંકી તૂટી પડતા ભયનો માહોલ સર્જાયો હતો. જેની જાણ ડ્રેનેજ વિભાગના એન્જિનિયર રાજેશ ગાંધીને થતા તેમને નવસારી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ વિસ્તારમાં મોડી સાંજે ચીફ ઓફિસર જે.યુ.વસાવા, વિજય રાઠોડે ઘટનાસ્થળે ધસી જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
પાણીની ટાંકી તૂટી જતા સ્લેબને નુકસાન થયું હતું. આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ નહીં હોય નુકસાન બાબતે જાણી શકાયું ન હતું. જાે કે આ ઘટનાને પગલે પાટીલ સંકુલમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
મોડી સાંજે સી.આર.પાટીલ સંકુલમાં બિલ્ડીંગ પર આવેલ પીવીસી પાણીની ટાંકી તૂટી પડી હતી. જેને લીધે સ્લેબને પણ નુકસાન થયું હતું. રાત્રિનો સમય હોય કોઈ અજુગતી ઘટના બને નહીં તે માટે આ બિલ્ડીંગમાં રહેતા લોકોને કામચલાઉ ઘર ખાલી કરવા જણાવ્યું છે. સવારે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ આવી પરિસ્થિતિનો તાગ મેળવશે. -રાજેશ ગાંધી, એન્જિનિયર, ડ્રેનેજ વિભાગ નવસારી પાલિકા
૨૧ વર્ષ જૂની ઓવરહેડ પાણીની ટાંકી તૂટતા નવસારી સી.આર.પાટીલ સંકુલમાં ભયનો માહોલ





















Recent Comments