ગીરની પ્રકૃતિ અને સંસ્કૃતિ ના જતન સાથે સ્થાનિક માલધારીઓના ઉત્કર્ષ માટે ગીર પૂર્વ વન વિભાગ ધારી દ્વારા એક પ્રશંસનીય લોકાભિમુખ પહેલ કરવામાં આવી છે. નાયબ વન સંરક્ષક (DCF) વિકાસ યાદવ ની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં હડાળા નેસ ખાતે ગીર પૂર્વ વન વિભાગ તારી અંતર્ગત આવતા તમામ સેટલમેન્ટ ગામો તથા નેસના માલધારીઓ માટે એક વિશેષ *’મંથન સભા’* નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હડાળા, જસાધાર અને તુલસીશ્યામ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) તથા તમામ સંબંધિત ફોરેસ્ટર ખાસ હાજર રહ્યા હતા. આ મંથન સભાનો મુખ્ય હેતુ છેલ્લા એક વર્ષમાં વન વિભાગ દ્વારા સેટલમેન્ટ ગામો અને નેસ વિસ્તારમાં કરવામાં આવેલા વિકાસકામોની સમીક્ષા કરવાનો તેમજ ચાલુ વર્ષે કરવાના થતા કામો અને માલધારીઓની મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવાનો હતો. સભા દરમિયાન નીચે મુજબની બાબતોની વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી ગત વર્ષની કામગીરીની સમીક્ષા: નેસ વિસ્તારમાં પીવાના પાણી તથા માલઢોર માટે પાણીની વ્યવસ્થા, નેસ સુધીના રસ્તાઓનું રિપેરિંગ અને કોઝ-વે વગેરે કામોની સમીક્ષા કરાઈ. ગામોમાં પીવાના પાણીની સુવિધા, કપડાં ધોવા માટે ધોબીઘાટ, ગામના રસ્તા નું રીપેરીંગ, સ્ટ્રીટ લાઈટ, પેવર બ્લોક, ઘરે-ઘરે ગટર સુવિધા, પાણીના ટાંકા અને ડંકી (હેન્ડપંપ) જેવી પ્રાથમિક સુવિધાઓ નું આકલન કરવામાં આવ્યું. માલધારીઓ અને વન વસાહત ના લોકો દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રાથમિક સુવિધાઓ માંગણીઓને કાયદાના દાયરામાં રહીને સમયસર પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ મંથન સભામાં ગીર પૂર્વ વન વિભાગના વિવિધ વિસ્તારોમાંથી માલધારીઓએ ખૂબ જ હર્ષભેર ભાગ લીધો હતો. જેમાં ચીખલકુબા, કોઠારીયા, જસાધાર, ઘોડાવડી અને ટીંબરવા, નેસ વિસ્તાર: શિરનેસ, રાજસ્થળી, લોકી, પાડાગાળા, રેબડી, પડાળીયા, કાણેક, ખજૂરી, માંડવી, ઘુડ જીંજવા, હડાળા, મીંઢા, લેરિયા, સરકડિયા અને દોઢી નેસ. સમગ્ર મંથન દરમિયાન અલગ-અલગ નેસ ના માલધારીઓ સાથે સીધો સંવાદ સાધી ને તેમના પ્રશ્નોની નોંધ લેવામાં આવી હતી. નાયબ વન સંરક્ષક વિકાસ યાદવે માલધારીઓને ખાતરી આપી હતી કે તેમની વ્યાજબી રજૂઆતોનો વહેલી તકે અને સમયસર નિવારણ લાવવામાં આવશે.
વન વિભાગની આ અનોખી પહેલને તમામ માલધારી ભાઈઓએ ખુલ્લા દિલથી આવકારી હતી અને વન વિભાગના અધિકારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે વન વિભાગ અને માલધારીઓના સહિયારા પ્રયાસોથી ગીરની અમૂલ્ય પ્રકૃતિ અને પરંપરાગત માલધારી સંસ્કૃતિને જાળવી રાખવાના સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા.
ગીર પૂર્વ વન વિભાગ દ્વારા હડાળા નેસ ખાતે માલધારીઓ સાથે ‘મંથન સભા’ યોજાઈ




















Recent Comments