૨૪ કલાકમાં ૨૨,૦૬૫ નવા કેસ અને વધુ ૩૫૪ દર્દીનાં મોત કોરોનાની રફતાર ધીમી પડી, પોઝિટિવ કેસો પાંચ મહિનામાં સૌથી ઓછા
ભારતમાં કોરોનાની રફતાર ધીમી પડીહોવાના સંકેત મળ્યા છે. કોરોનાના નવા કેસો પાંચ મહિનાની સૌથી નીચી સપાટીએ રહ્યા હતા. દેશમાં વિતેલા ૨૪ કલાકમાં કોવિડ ૧૯ના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૩,૦૦૦ કરતા ઓછી રહી છે. જેની સામે સ્વસ્થ થયેલા દર્દીઓનો ગ્રાફ ઊંચો રહેતા રિકવરી રેટ ૯૫ ટકા થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ દેશમાં એક દિવસમાં કોરોનાના વધુ ૨૨,૦૬૫ દર્દીઓ નોંધાતા કુલ આંક ૯૯,૦૬,૧૬૫ થયો હતો. ૨૪ કલાકમાં વધુ ૩૫૪ દર્દીઓનાં મોત થયા હોવાથી કુલ મૃત્યુઆંક વધીને ૧,૪૩,૭૦૯ થયો હતો.
કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો વધીને ૯૪,૨૨,૬૩૬ રહેતા રિકવરી દર ૯૫.૧૨ ટકા નોંધાયો હતો. જ્યારે મૃત્યુ દર ૧.૪૫ ટકા હતો. કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા સતત આઠમા દિવસે ચાર લાખ કરતા નીચે રહી હતી અને તે ૩,૩૯,૮૨૦ નોંધાઈ હતી.
આઈસીએમઆરના મતે દેશમાં સોમવારે ૯,૯૩,૬૬૫ કોરોના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ૧૫,૫૫,૬૦,૬૫૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. વધુ ૩૫૪ દર્દીઓનાં મોત થયા છે તે પૈકી દિલ્હી તેમજ મહારાષ્ટ્રમાં ૬૦-૬૦, પશ્ચિમ બંગાળમાં ૪૩, કેરળમાં ૨૪ અને પંજાબમાં ૨૧ દર્દીઓનો સમાવેશ થાય છે.
Recent Comments