અમદાવાદમાં ૪૮ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ભવનનો શિલાન્યાસ સમારોહ યોજાયો
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં બનનારો ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ના આઈકોનિક સીએ ભવનનો આજરોજ શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ બિલ્ડિંગનું કુલ ૧,૫૦,૦૦૦ સ્કેવર ફૂટ બાંધકામ હશે. આ બિલ્ડિંગમાં રિસર્ચ સેન્ટર, રીડિંગ રૂમ, વિશ્વકક્ષાની અદ્યતન ઈ-લાયબ્રેરી જેવી સુવિધાઓ હશે. આખા બિલ્ડિંગને સોલાર પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવશે. વિદ્યાર્થીઓ સામાન્ય ફી ભરી સીએનો અભ્યાસ કરી શકશે. એક વર્ષની અંદર આ બિલ્ડિંગ તૈયાર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
આ બિલ્ડિંગમાં વિશ્વ કક્ષાની તમામ સુવિધાઓ હશે. આઈસીએઆઈના નેશનલ પ્રેસિન્ડેન્ટ સીએ દેબાશીસ મિત્રા, વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટી નવા બિલ્ડીંગની ઈન્ફ્રાસ્ટ્રકચર કમિટીના ચેરપર્સન અને સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરુષોત્તમ ખંડેલવાલ આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન સીએ બીશન શાહના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
આઈકોનિક સીએ ભવનના શિલાન્યસ સમારોહમાં ઉપસ્થિત રહેલા આઈસીએઆઈના નેશનલ પ્રેસિડેન્ટ સીએ દેબાશિસ મિત્રાએ જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે નિર્માણ થઈ રહેલા આઈસીએઆઇના નવા બિલ્ડિંગના શિલાન્યાસ પૂજનમાં સામેલ થવા બદલ હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. સમયની જરૂરિયાત પ્રમાણે અમદાવાદમાં આઈસીએઆઈનું આઈકોનિક બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે.
આઈસીએઆઈની કુલ ૧૬૭ બ્રાન્ચ પૈકી અમદાવાદ બ્રાન્ચ બીજા નંબરની બ્રાન્ચ છે. દેશમાં કુલ ૩,૭૫,૦૦૦ સીએ છે, જ્યારે આઠ લાખથી વધારે વિદ્યાર્થીઓ છે. અમદાવાદ બ્રાન્ચમાં કુલ ૧૪,૦૦૦ મેમ્બર છે. અમને એ વાતની ખુશી છે કે સીએના વ્યવસાયમાં હવે મહિલાઓની સંખ્યા વધી રહી છે. દેશના કુલ સીએમાં ૨૯ ટકા મહિલા સીએ છે.
આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચના નવા ભવનના શિલાન્યાસ સમારંભમાં ઉપસ્થિત રહેલા આઈસીએઆઈના નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, ચાણયક્યપુરી ખાતે નિમાર્ણ થઈ રહેલું નવું ભવન આઈકોનિક સીએ ભવન હશે. ૫૦૦૦ વારમાં કુલ ૧,૫૦,૦૦૦ સ્કેવર ફૂટ બાંધકામ થશે. તેમાં શિક્ષણ, તાલીમ અને સંશોધન સાથેના સતત નોલેજ અપડેશન પૂરા પાડવામાં આવશે. આ ભવનમાં રિસર્ચ સેન્ટર બનશે, જેમાં પ્રેકટિસ કેસ સ્ટડિઝ તૈયાર કરવામાં આવશે. જે વિશ્વનાં કોમર્સ અને મેનેજમેન્ટ સ્ટુડન્ટસને અત્યંત ઉપયોગી સાબિત થશે.
Recent Comments