અમરેલી

અમરેલીના પ્રતાપપરા,સાંગાડેરી, નાના આંકડીયા સહિતના ગામોમાં ‘અમૃત કળશ’ યાત્રા યોજાઈ

 આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો. તા. ૦૬ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર,૨૦૨૩ સુધી  મારી માટી-મારો દેશ, અમૃત કળશ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાષ્ટ્રભક્તિના આ મહાપર્વમાં દેશના ગામે ગામથી એકઠી કરવામાં આવેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવશે. આ કડીના ભાગરૂપે કાર્યક્રમના બીજા ચરણમાં  ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના પ્રતાપપરા, સાંગાડેરી, નાના આંકડીયા સહિતના વિવિધ ગામોમાં અમૃત કળશ યાત્રા યોજાઈ હતી.

      અમરેલી જિલ્લામાં ‘મારી માટી મારો દેશ’ અભિયાન યોજાયું હતુ.  જિલ્લામાં ૬૦૦ ગ્રામ પંચાયત, ૧૧ તાલુકા પંચાયત, ૦૯ નગરપાલિકા સહિતના વિસ્તારોમાં આ અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા અને સૌ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર જિલ્લામાં ૬૨૦ શિલાફલકમનું અનાવરણ,  ૬૪૪ અમૃત વિકાસ વાટિકાનું સર્જન, દેશી કુળના ૪૯,૨૫૮ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ. જિલ્લામાં ૭૧૪ વીરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત ૩૮,૫૫૨ નાગરિકોએ મારી માટી,મારો દેશ અભિયાન અંતર્ગત આ મહાપર્વમાં ભાગ લઈને પોતાની સેલ્ફી  અપલોડ કરી હતી. દેશભક્તિના આ મહાપર્વમાં ૫૭,૨૫૭ નાગરિકોએ રાષ્ટ્રગાન અને ધ્વજવંદ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક  ભાગ લીધો હતો.

       ‘અમૃત કળશ’ યાત્રા કાર્યક્રમમાં વિવિધ ગામની એકત્ર કરવામાં આવેલી માટીને ‘અમૃત કળશ’માં  ભરવામાં આવી હતી. ગ્રામ પંચાયતોમાંથી એકઠી કરવામાં આવેલી માટી તાલુકા સ્તર પર અને ત્યાંથી રાજ્ય સ્તરે થઈ અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવશે. રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના શહીદોની યાદમાં ‘અમૃત વન’ તૈયાર કરવામાં આવશે, જેમાં આ માટી દ્વારા છોડ રોપવામાં આવશે.  ‘અમૃત કળશ’ યાત્રા  કાર્યક્રમમાં ગ્રામ પાંચાયતના સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, સ્થાનિક આગેવાનશ્રીઓ અને ગ્રામજનો સહિત સૌ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts