વરસાદની સિઝન હતી ત્યારે વરસાદ આવતો નહતો. હવે વરસાદની સિઝન પુરી થઈ ગઈ છે ત્યારે વરસાદની આગાહી થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વાતાવરણમાં એવા ભયંકર ફેરફાર થયા છે અને જે સતત થઈ રહ્યાં છે તેની સીધી અસર હવામાન પર લાગે છે. હાલ ગુજરાતમાં એક રીતે ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે સંખ્યાબંધ લોકો બીમાર પડી રહ્યાં છે. વહેલી સવારે અને મોડી રાતે સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે.
જ્યારે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આકરી ગરમીનો અનુભવ થાય છે. આવી ડબલ સિઝનને કારણે સંખ્યાબંધ લોકોને ખાંસી-ઉધરસ, કફ અને શરદીની તકલીફ થતી જોવા મળી રહી છે. ત્યારે ઠંડી સિઝન અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યાં છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. આ ટ્રન્ઝીટ પીરિયડ છે. આ ટ્રાન્ઝિસ્ટ મહિનો હોવાથી હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું જલ્દી જ વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે. ગુજરાતમાં હજુ 15 દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે. પરંતુ શિયાળો હવે મોડો આવશે. શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જોવી પડશે. ગુજરાતમાં શિયાળાની ધીમી પગલે દસ્તક થઈ ગયી છે.
ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોમાસા બાદ ઠંડીની આગાહી આવી ગઈ છે. નવરાત્રિ બાદથી જ ગુજરાતમાં રાતે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે, હવેથી રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી ઠંડીનો વધુ અહેસાસ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થાય છે. તેમણે જણાવ્યું કે, અલ નિનોના કારણે આ વર્ષે શિયાળો મોડો આવશે. 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ કડાકાની ઠંડી પડશે. આ દિવસોમાં લધુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી જશે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જવાની શક્યતા છે. તો નલિયાનું તાપમાન 7 ડિગ્રી પણ રહી શકે છે. તેના બાદ ફેબ્રુઆરી અને માર્ચમાં ફુલગુલાબી ઠંડી રહેશે.


















Recent Comments