પાકિસ્તાનમાં ફરી એક વખત બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તે પણ ૧-૨ નહીં પૂરા ૬૦ હિંદુઓને એક સાથે ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો છે. ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીરપુર અને મીઠી વિસ્તારનો છે જે બળજબરીપૂર્વક ધર્માંતરણનો ગઢ બની ગયું છે.
વીડિયોમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, એક મૌલવી ૬૦ હિંદુઓને કલમા (ઈસ્લામના શપથ) વંચાવે છે અને તેમનું ધર્માંતરણ કરાવે છે. આ વીડિયો ૭ જુલાઈ, ૨૦૨૧ના રોજનો હોવાનું કહેવામાં આવ્યું છે. સિંધ પ્રાંતની મતલી નગર સમિતિના અધ્યક્ષ અબ્દુલ રઉફ નિજામનીએ પોતાની ફેસબુક પ્રોફાઈલ પર આ વીડિયો શેર કર્યો હતો.
તેણે વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘અલ્હમદુલિલ્લાહ આજે મારા મોનિટરિંગમાં ૬૦ લોકો મુસલમાન બન્યા છે, તેમના માટે દુઆ કરો.’ મોટા પાયે થઈ રહેલા આ ધર્મ પરિવર્તન પાછળ સિંધના કુખ્યાત મૌલવી મિયાં મીટ્ઠુ અને અબ્દુલ રઉફ નિજામનીનો હાથ છે. મિયા મીટ્ઠુ પાકિસ્તાનમાં ગરીબ હિંદુ છોકરીઓનું અપહરણ અને બળજબરીથી ધર્માંતરણ કરાવવા માટે કુખ્યાત છે.
મૌલવી મિયા મીટ્ઠુએ પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં અનેક હિંદુઓનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું છે. તેને લઈ પાકિસ્તાનના હિંદુઓ ખૂબ જ ભયભીત છે. કરાચીના ડૉ. રાજકુમાર વંજારા જે હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવે છે તેમણે આ ઘટનાનો વિરોધ કરીને પોતાના ફેસબુક પેજ પર કટાક્ષના સૂરમાં લખ્યું હતું કે, ‘તમામને શુભેચ્છાઓ, ચિંતા ન કરો પાકિસ્તાન ખૂબ જલ્દી ૧૦૦ ટકા મુસ્લિમ દેશ બનવા જઈ રહ્યો છે. આજે ૬૦ હિંદુઓ ધર્માંતરિત થયા.’
ડૉ. રાજકુમારના કહેવા પ્રમાણે પાકિસ્તાનમાં ધર્માંતરણની ઘટનાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ધર્મ પરિવર્તન કરાવનારાઓ પર કોઈ પગલા નથી લેવાતા. બધું ખુલ્લેઆમ થાય છે. એ દિવસ દૂર નથી જ્યારે અહીં એક પણ હિંદુ નહીં બચે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને થોડા દિવસ પહેલા જ ધર્માંતરણ મુદ્દે એક સંસદીય સમિતિની રચના કરી હતી. આ સમિતિ બળજબરીપૂર્વક ધર્માંતરણ અટકાવવાનું કામ કરે છે. પરંતુ ઈમરાન ખાનના નવા પાકિસ્તાનમાં આ બધું ખુલ્લેઆમ થઈ રહ્યું છે.


















Recent Comments