સાવરકુંડલા નાવલી નદી કાંઠે આવેલ મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા ખાતે આવેલી પ્રાચીન વાવનો જીર્ણોદ્ધાર હવે થશે. એક વૈષ્ણવની સેવાથી વાવનાં એ પ્રાચીન સંસ્મરણો તાજા થશે.. ભારતીય સંસ્કૃતિની ઢબુરાયેલ વિરાસત સમી આ વાવ એ મહાપ્રભુજી વિશ્રામ બેઠકજીની યાદો પુનઃ વૈષ્ણવોના માનસપટ પર અંકિત થશે. સાવરકુંડલા શહેરમાં નાવલી નદી કાંઠે આવેલ બેઠકજી ખાતે આવેલા અતિ પ્રાચીન વાવ એક વૈષણવના સહયોગથી તેમાં રહેલ કચરો પાંદડાં તથા વચ્ચે આડું પડેલ એક વૃક્ષને હટાવી આ વાવને સ્વચ્છ કરવાનું પુનિત કાર્ય એક વૈષણવે કરેલ છે. કહેવાય છે કે આ વાવ પણ લગભગ બસો વર્ષ પૂર્વે બાંધવામાં આવી હોય તેવું જણાય છે. વડીલો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ જ્યારે નાવલી નદીનાં સ્વચ્છ નીર વહેતાં અને સમય કાળે આ નાવલી નદી તો સુકાઈ ગઈ પરંતુ આ વાવનું નિર્મળ જળ વૈષ્ણવો હવેલીમાં લઈ ઠાકોરજીને સ્નાનાદિ કાર્ય અર્થે ઉપયોગમાં લેતાં.
સમય જતાં આ વાવ પણ લગભગ અહીં વૃક્ષો અને પાંદડાં અને કચરાથી ઢબુરાઈ ગયેલી. પરંતુ ગઈકાલે જ એક વૈષ્ણવ ભક્તે આ વાવની સાફસફાઈ કરી ચારે બાજુ રહેલ વૃક્ષોના પાંદડાં આદિ કચરો સાફ કરાવી વાવને સ્વચ્છ કરવાની સેવા કરી. જો કે હાલ વાવમાં પાણી તો ભરેલું છે એટલે થોડું ઘણું શુધ્ધિકરણ કર્યાં પછી આ જળ પણ ઠાકોરજીના સ્નાનાદિ કાર્ય અર્થે વપરાઈ શકે અને આ પ્રાચીન વાવ સંસ્કૃતિની વારસો પુનઃ દેદીપ્યમાન થઈ શકે એનો પણ વૈષ્ણવો ગર્વ લઈ શકે. આમ તો આ વાવમાં ચાર પાંચ પગથિયા નીચે ઉતરતાં એક તકતી લગાવેલી જોવા મળે છે. જો કે તકતીના શબ્દો પણ થોડા અવાચ્ય છે પણ પ્રાથમિક રીતે જોઇએ તો ત્રિભોવનદાસ હરગોવિંદભાઈ મહેતા દ્વારા આ વાવ તેમના ધર્મપત્ની ગં. સ્વ. લીલાવતીબેન તથા પુત્રો હરકિશનભાઈ અને કાંતિભાઈ એવું વંચાય છે. જો કે આ સંદર્ભે આ વાવ બંધાવનારની વિશેષ કોઈ વિગત પ્રાપ્ત થતી નથી પરંતુ આ દિશામાં બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલાના પ્રમુખ શ્રી વિજયકુમાર વસાણી સતત પ્રયાસ કરી રહ્યા છે.
આ વાવની સાફસફાઈ કરાવવા બદલ એક વૈષણવનો આ ટ્રસ્ટના સમગ્ર ટ્રસ્ટી મંડળના સભ્યો હાર્દિક આભાર માને છે. આમ આપણી વિસરાતી જતી ભારતીય સંસ્કૃતિની ખાસકરીને સાવરકુંડલા શહેરની વૈષ્ણવ સમાજની અસ્મિતા અને ઓળખ સમાન આ વાવનો જીર્ણોદ્ધાર કરી અને ફરી એ વાવનું નિર્મળ જળ ઠાકોરજીની સેવામાં ઉપયોગમાં લઈ શકાય તેવાં પ્રયાસો પણ હવે આ સંસ્થાના ટ્રસ્ટીઓ કરવા પ્રતિબદ્ધ છે એવું જાણવા મળ્યું છે. આમ સાવરકુંડલા શહેરની મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા હવે આ વાવનાં જળનો ઉપયોગ પણ સેવાકાર્યમાં થાય તેવું ઈચ્છે છે. આમ ઢબુરાયેલાં મહાપ્રભુજી વિશ્રામ બેઠકજીનાં સંસ્મરણો પણ હવે આ વાવના નીર દ્વારા જ કદાચ તાજાં થશે.
Recent Comments