સેવા તણું આ ધામ છે, આંખોમાં રોશની ભરે,
પીડા હરીને માનવીના,
સ્મિત હોઠે એ ધરે.
શ્રદ્ધા અને માનવતાનો સંગમ અહીં રેલાય છે,
ગુરુકુલના આ આંગણે,
પ્રભુતા સદા પરખાય છે.
–“પાંધી સર”
શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાવરકુંડલા દ્વારા દર માસના પ્રથમ શુક્રવારે યોજાતી સેવાકીય પરંપરા અંતર્ગત, તા. ૦૧/૦૫/૨૦૨૬ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૪૭મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને દંત ચિકિત્સા યજ્ઞ સંપન્ન થયો હતો. સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી અને કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો તેમજ રાજકોટના ડો. જયસુખભાઈ મકવાણા અને તેમની ટીમે સેવા આપી હતી. ડીવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના મોનિકાબેન ભટ્ટ, જાગૃતિબેન ચૌહાણ અને ડો. સંજયભાઈ અગ્રાવત દ્વારા દર્દીઓનું ઝીણવટભર્યું નિદાન કરવામાં આવ્યું હતું.
કુલ ૯૮ દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી ૨૩ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે સંસ્થાના ખર્ચે વિરનગર મોકલવામાં આવ્યા. જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ચશ્મા અને દવાઓનું વિતરણ કરાયું.
૨૦ દર્દીઓના દાંત-પેઢાનું નિદાન થયું. જેમાં આયુર્વેદની ‘જાલંધર બંધ’ વિધિ દ્વારા ઇન્જેક્શન વગર એક દર્દીની દાઢ કાઢી આપવામાં આવી હતી. આ કેમ્પના મુખ્ય દાતા રશ્મિબેન મનુભાઈ પારેખ (હસ્તે ગૌતમભાઈ પારેખ, મુંબઈ) ના સહયોગથી કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
ગુરુકુલના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પમાં આવેલા તમામ દર્દી નારાયણ માટે ચા અને ફાફડા-જલેબીના નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.















Recent Comments