અમરેલી

સપનાઓને સાકાર કરવાની જિદ્દ: કૌશલ્ય વિકાસ થકી બગસરાના સમઢિયાળા ગામના વતની નવયુવાન સુમિત સાવલિયા બન્યા કરોડપતિ

સામાન્ય રીતે એવી માન્યતા છે, કે મોટી ડિગ્રી મેળવ્યા વિના જીવનમાં મોટી
સફળતા હાંસલ કરવી મુશ્કેલ છે, પરંતુ બગસરા તાલુકાના સમઢિયાળા ગામના વતની અને હાલમાં અમદાવાદમાં સ્થાયી થયેલ
સુમિત આર. સાવલિયાએ પોતાની મહેનત, કૌશલ્ય અને આત્મવિશ્વાસના બળે આ માન્યતાને ખોટી સાબિત કરી છે! માત્ર
ધોરણ ૧૦ પાસ કર્યા બાદ અને અમરેલી આઈ.ટી.આઈમાંથી અભ્યાસ પૂર્ણ કરીને આજે તેઓ ‘ઇલેક્ટ્રોનિક્સ વર્લ્ડ’ નામની
સફળ કંપનીના માલિક બન્યા છે, આ કંપનીનું આજે વાર્ષિક ટર્નઓવર અંદાજે રૂ. ૩ કરોડ સુધી પહોંચ્યું છે.
સુમિતભાઈએ વર્ષ ૨૦૦૫માં આઈ.ટી.આઈમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અભ્યાસ દરમિયાન મળેલા વ્યાવહારિક
જ્ઞાન અને સંસ્થાના માર્ગદર્શનથી તેમને કારકિર્દીની નવી દિશા મળી. સંસ્થા ખાતે કેમ્પસ ભરતી મેળામાં તેમના ઇન્સ્ટ્રક્ટર શ્રી
અશોકભાઈ ઝાલાવાડિયાના માર્ગદર્શન હેઠળ તેમની પસંદગી અમદાવાદ સ્થિત વેસ્ટર્ન એ.સી રેફ્રિજરેશન પ્રાઇવેટ લિમિટેડમાં
એપ્રેન્ટિસ તરીકે થઈ હતી. આ તક તેમના જીવનમાં મહત્વનો વળાંક સાબિત થઈ!
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ ૨૦૦૬માં સુમિતભાઈએ ગોદરેજ કંપનીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. સતત પાંચ વર્ષ સુધી
તેમણે નિષ્ઠાપૂર્વક અને ખંતથી કામગીરી કરી. તેમની કાર્યકુશળતા અને સમર્પણને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૧૧માં ગોદરેજ
કંપનીએ તેમને અમદાવાદ શહેર માટે ‘ડાયરેક્ટ સર્વિસ પાર્ટનર’ બનવાની મહત્વપૂર્ણ તક આપી. તેમની ઉત્તમ કામગીરી અને
વિશ્વસનીયતાના આધારે બાદમાં પેનાસોનિક જેવી આંતરરાષ્ટ્રીય કંપનીએ પણ તેમને પોતાના ડાયરેક્ટ સર્વિસ પાર્ટનર તરીકે
પસંદ કર્યા. આ સિદ્ધિઓએ તેમને સફળ ઉદ્યોગસાહસિક તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી.

આજે સુમિતભાઈની ‘ઇલેક્ટ્રોનિક્સ વર્લ્ડ’ કંપનીમાં અંદાજે ૫૦થી ૬૦ કુશળ એન્જિનિયરો કાર્યરત છે. શૂન્યમાંથી પોતાની
ઓળખ ઉભી કરનાર આ યુવાન માત્ર સફળ વ્યવસાયી જ નથી, પરંતુ અનેક યુવાનો માટે રોજગારીનું મહત્વપૂર્ણ માધ્યમ પણ
બન્યા છે. તેમના પ્રયાસોથી અનેક પરિવારોને રોજગાર અને આત્મનિર્ભરતાની નવી રાહ મળી છે.
સુમિતભાઈએ જણાવ્યું કે, આઈ.ટી.આઈમાં મળેલું પ્રેક્ટિકલ જ્ઞાન, ગુરુજનોનું માર્ગદર્શન અને સતત મહેનતના કારણે જ હું
આજે આ મુકામ સુધી પહોંચી શક્યો છું. તેમની આ પ્રેરણાદાયી સફર સાબિત કરે છે, કે સફળતા માટે માત્ર ઉચ્ચ ડિગ્રી જરૂરી
નથી, પરંતુ કૌશલ્ય, સખત મહેનત અને યોગ્ય માર્ગદર્શન પણ એટલું જ મહત્વ ધરાવે છે.
આ નવયુવા ઉદ્યોગસાહસિકની સફળ યાત્રા આજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. કૌશલ્યલક્ષી શિક્ષણ દ્વારા પણ જીવનમાં
ઉચ્ચ શિખરો સર કરી શકાય છે, તેનું જીવંત ઉદાહરણ સુમિતભાઈએ પૂરું પાડ્યું છે. તેમની સફર એ સંદેશ આપે છે કે મહેનત,
કૌશલ્ય અને આત્મવિશ્વાસ હોય તો કોઈપણ વ્યક્તિ પોતાના સપનાઓને સાકાર કરી શકે છે. સાથે પ્રેક્ટિકલ જ્ઞાન કારકિર્દી
નિર્માણનું પાથેય બની શકે છે.

Related Posts